પુત્રી શીના બોરા હત્યા કેસમાં ધરપકડ થયાનાં લગભગ સાડાછ વર્ષ પછી ભૂતપૂર્વ મિડિયા કારોબારી ઈન્દ્રાણી મુખરજી શુક્રવારે ભાયખલા મહિલા જેલમાંથી સાંજે 5.30 વાગ્યે બહાર આવી હતી. તે બહાર આવીને પોતાની વકીલ સાના રઈસ શેખને ભેટી પડી હતી, જે પછી મિડિયા સામે જોઈને સ્મિત કર્યું અને હાથ હલાવ્યા હતા. આ પછી વકીલની લક્ઝરી કારમાં બેસીને પોતાના વરલીના ફ્લેટ પર પહોંચી હતી. મિડિયા સાથે વાત કરવાનું તેણે ટાળ્યું હતું. જોકે સફેદ ચુડીદારમાં તૈયાર થઈને કાળા વાળ સાથે તેનું ટોપટીપ રૂપ જોઈને સોશિયલ મિડિયા પર જાતજાતની ટિપ્પણી થઈ હતી. એક ટ્વીટમાં કહેવાયું, તો જેલમાં બ્યુટી પાર્લર પણ છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે તેને જામીન આપ્યા હતા. તપાસકર્તાનું માનવામાં આવે તો 24 વર્ષીય શીના બોરાની એપ્રિલ 2012માં હત્યા કરવામાં આવી હતી, પરંતુ ઈન્દ્રાણીનો ભૂતપૂર્વ ડ્રાઈવર શ્યામવર રાય 21 ઓગસ્ટ, 2015ના રોજ પિસ્તોલ સાથે પકડાયો ત્યારે ત્રણ વર્ષ પછી આ ગુનો બહાર આવ્યો હતો.
રાયે પોલીસને કહ્યું કે હત્યા એપ્રિલ 2012માં થઈ હતી. મિડિયા દિગ્ગજ પીટર મુખરજીની પત્ની ઈન્દ્રાણીએ પોતાની પુત્રી શીનાનું ગળું કારમાં જ ઘોંટ્યું હતું. તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાએ મદદ કરી હતી. રાયની કબૂલાતના ચાર દિવસ પછી ખાર પોલીસે ઈન્દ્રાણીની ધરપકડ કરી હતી. આ પછી ખન્નાની પણ ધરપકડ કરી હકી.
ઈન્દ્રાણીએ સતત એવું રટણ ચાલુ રાખ્યું હતું કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી છે. પોલીસે દાવો કર્યો હતો કે અગાઉના સંબંધમાંથી જન્મેલી શીનાની હત્યા ઈન્દ્રાણી અને ખન્નાએ કારમાં જ કરી હતી. કાર શ્યામવર રાય ચલાવતો હતો.
આ પછી બીજા દિવસે રાયગડના જંગલમાં લાશ દાટી દીધી હતી.હત્યાના એક મહિના પછી કોહવાયેલી હાલતમાં આ લાશ પોલીસને મળી હતી, પરંતુ રાયે ત્રણ વર્ષ પછી હત્યા વિશે માહિતી આપી ત્યારે જ આ વાત બહાર આવી હતી. કેસ સપ્ટેમ્બર 2015માં સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. નવેમ્બર 2015માં સીબીઆઈએ કાવતરાનો ભાગ તરીકે પીટર મુખરજીની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.