ભાસ્કર વિશેષ:મુંબઈ એરપોર્ટ પર આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ વધ્યાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લાઈટ ફરીથી શરૂ થતાં જ પ્રથમ મહિનામાં 6.3 લાખ લોકોએ પ્રવાસ કર્યો

આંતરરાષ્ટ્રીય સીમાઓ ખૂલી ગયા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવાઓ ફરીથી શરૂ થતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)થી પ્રથમ મહિનામાં જ 6.3 લાખ પ્રવાસીઓએ યાત્રા કરી હતી. 27મી માર્ચથી 27મી એપ્રિલ, 2022 સુધી મુંબઈ એરપોર્ટ પરથી 41 આંતરરાષ્ટ્રીય સ્થળે નાગરિકો અવરજવર કરી રહ્યા છે.

કથિત પ્રથમ મહિનામાં આશરે 2.8 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીએ આગમન કર્યું હતું, જ્યારે 3.5 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટથી પ્રસ્થાન કર્યું હતું. દુબઈ આ મહિનામાં 1.62 લાખ પ્રવાસી સાથે સૌથી ટોચના સ્થાને રહ્યું છે. અબુ ધાબી અને સિંગાપોર અનુક્રમે 0.43 લાખ અને 0.40 લાખ પ્રવાસીઓ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યાં છે.આ જ સમયગાળામાં આંતરરાષ્ટ્રીય રુટ્સ પર કુલ 3720 મુવમેન્ટસ જોવા મળી છે. મુંબઈ એરપોર્ટથી જવા- આવવા માટે ઈન્ડિકગો, એર ઈન્ડિયા અને અમીરાતમાં સૌથી વધુ નાગરિકોએ પ્રવાસ કર્યો હતો.

મહામારી પૂર્વે કુલ 51 આંતરરાષ્ટ્રીય સ્થળે મુંબઈ એરપોર્ટથી 44.8ટકા મધ્ય પૂર્વીય દેશોમાં, 25.89 ટકા એશિયા પેસિફિક દેશોમાં, 20 ટકા યુરોપિયન દેશોમાં, 5.9 ટકા આફ્રિકન દેશોમાં અને 3.5 ટકા અમેરિકા સ્થિત સ્થળો ખાતે નાગરિકોએ અવરજવર કરી હતી.મુંબઈ એરપોર્ટે 27 માર્ચથી તેનું સમર શિડ્યુલ શરૂ કર્યું હતું, જેમાં આશરે 5000 સાપ્તાહિક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનો સમાવેશ થતો હતો.

આ નવું શિડ્યુલ નાણાકીય વર્ષ 2021ના ઓપેરેટિંગ રોસ્ટરમાં 111 ટકાનો વધારો નોંધાવવા સુસજ્જ છે. મુંબઈ એરપોર્ટનું સમર શિડ્યુલ વધતા ટ્રાફિકને અનુકૂળ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 2021ના આશરે 418 રોજના ટ્રાફિક શિડ્યુલની તુલનામાં ફ્લાઈટ્સની સંખ્યા લગભગ 70 ટકા વધી છે.

સમર હોલીડેને લઈ માગણી વધી
વળી, સમર હોલીડેને લઈ પ્રવાસ માટે વધતી માગણીને લઈને મુંબઈ એરપોર્ટ વધતી માગણીને પહોંચી વળવા માટે સુસજ્જ છે. ફરજિયાત કોવિડના નિયમો અને નિયમનનું પાલન કરીને એરપોર્ટ થકી પ્રવાસ કરતા બધા પ્રવાસીઓને આસાન પ્રવાસ અનુભવ પૂરો પાડવાનો પ્રયાસ છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું

રસીનું પ્રમાણપત્ર આવશ્યક
27મી માર્ચથી બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ તેમનું રસીકરણ પ્રમાણપત્ર બતાવવાનું આવશ્યક છે, જ્યારે બે રસી નહીં લીધી હોય તેમણે ફ્લાઈટમાં બેસવા પૂર્વે 72 કલાકની અંદરનો નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવાનું આવશ્યક છે. મુંબઈથી જતા પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...