ભાસ્કર વિશેષ:પાલિકાની સ્કૂલોમાં IBબોર્ડનું આં.રાષ્ટ્રીય શિક્ષણ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓને ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ વિનામૂલ્ય મળશે

મુંબઈ મહાપાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શિક્ષણ મળે અને એ રીતે ઉચ્ચ શિક્ષમમાં અને કારકિર્દીમાં ગુણવત્તાવાળો સુધારો થાય એના માટે રાજ્યના પર્યટન, પર્યાવરણ મંત્રી અને મુંબઈ ઉપનગર જિલ્લા પાલકમંત્રી આદિત્ય ઠાકરેના પ્રયત્નોથી સીબીએસઈ અને આઈસીએસઈ અભ્યાસક્રમ શરૂ થયા પછી હવે ઈંટરનેશનલ બેકોલોરેટ અર્થાત આંતરરાષ્ટ્રીય બોર્ડ આઈ.બી.ના અભ્યાસક્રમ પણ ટૂંક સમયમાં શરૂ થશે. આ સંદર્ભે આદિત્ય ઠાકરેની અધ્યક્ષતા હેઠળ મહાપાલિકાના પ્રશાસનના ઉચ્ચ પદે બિરાજતા અધિકારીઓ અને આઈ.બી. બોર્ડના પદાધિકારીઓની સંયુક્ત બેઠક તાજેતરમાં પાર પડી હતી.

આઈ.બી.બોર્ડની સ્કૂલોમાં નર્સરીથી દસમા ધોરણ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એમાં 3 થી 12 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓની નર્સરીથી પાંચમા ક્લાસ માટે પીવાયપી (પ્રાઈમરી યર પ્રોગ્રામ) તથા 11 થી 16 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટે છઠ્ઠાથી દસમા ધોરણ સુધીના ક્લાસ માટે એમવાયપી (મીડલ યર પ્રોગ્રામ) અંતર્ગત મફત શિક્ષણ આપવામાં આવશે. આઈ.બી.બોર્ડની સ્કૂલ શરૂ કરવા માટે જરૂરી તમામ કાર્યવાહી પ્રશાસન તરફથી તરત કરવામાં આવી રહી છે. એના લીધે જૂન મહિનાથી નવા શૈક્ષણિક વર્ષથી શરૂઆતમાં મુંબઈ મહાપાલિકાની આઈ.બી.બોર્ડની એક અને આઈ.જી.સી.એસ.ઈ. બોર્ડની એક સ્કૂલ શરૂ થશે.

સામાન્ય વિદ્યાર્થીઓને મહાપાલિકાની સ્કૂલમાં દરજ્જાવાળું શિક્ષણ વિનામૂલ્ય મળે એ માટે 11 સીબીએસઈ અને 1 આઈસીએસઈ સ્કૂલ સફળ રીતે શરૂ કરવામાં આવી છે. એના જ એક ભાગ તરીકે દરેક વિભાગમાં ઓછામાં ઓછી એક સીબીએસઈ સ્કૂલ શરૂ કરવાની મહાપાલિકા પ્રશાસનની ઈચ્છા છે. હવે આગામી શૈક્ષણિક વર્ષથી આઈ.બી. બોર્ડનું શિક્ષણ મહાપાલિકાની સ્કૂલમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકંદરે સામાન્ય વિદ્યાર્થીઓ માટે એના દ્વારા મફત અને ઉચ્ચ દરજ્જાવાળા શિક્ષણના દરવાજા મહાપાલિકાએ ખોલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...