INS વિક્રાંત ભંડોળ કેસ:INS વિક્રાંતના ભંડોળની ઉચાપતના કેસમાં સોમૈયાને વચગાળાનું રક્ષણ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકે ચાર દિવસ તપાસ અધિકારી સમક્ષ હાજર થવા પડશે

મુંબઈ હાઈ કોર્ટે ભાજપના નેતા કિરીટ સોમૈયાને બુધવારે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે. સોમૈયા વિરુદ્ધ ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ વિક્રાંતને ભંગારવાડે જતું બચાવીને તેને સંગ્રહાલયમાં ફેરવવા માટે ભેગા કરાયેલા ભંડોળની ઉચાપત કરવાના કેસમાં મુંબઇ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી

જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની સિંગલ બેન્ચે જણાવ્યું કે, તે 28 એપ્રિલે બે અઠવાડિયા પછી સોમૈયાની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરશે. તેમણે ત્યાં સુધીમાં તપાસનો અહેવાલ પણ માગ્યો હતો. અરજદારની ધરપકડના કિસ્સામાં, તેમને રૂ. 50,000ના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવા અને 18 એપ્રિલથી ચાર દિવસ માટે સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તપાસ અધિકારીને રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો.

એફઆઇઆર સૂચવે છે કે આરોપો મુખ્યત્વે મિડિયા અહેવાલો પર આધારિત છે. રૂ. 57 કરોડની ગેરરીતિના ચોક્કસ આક્ષેપો હોવા છતાં, ફરિયાદી કયા આધારે ઉપરોક્ત આંકડા સુધી પહોંચ્યો છે તે દર્શાવવા માટે રેકોર્ડ પર કોઈ સામગ્રી નથી એમ હાઇ કોર્ટે અવલોકન કર્યું હતું. એ પણ નોંધનીય છે કે, 2013માં કથિત રીતે ભેગાં કરાયેલાં નાણાં માટે ફરિયાદ 2022માં કરવામાં આવી હતી.

ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં ભારતીય સેનાના ભૂતપૂર્વ જવાન દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોમૈયા દ્વારા 2013માં આઇએનએસ વિક્રાંત માટે ડોનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. સોમૈયા, તેમના પુત્ર નીલ અને અન્યોએ શહેરનાં વિવિધ સ્થળે દાનપેટીઓ ગોઠવીને ભંડોળ ભેગું કર્યું હતું.

ફરિયાદીએ જણાવ્યું હતું કે આઇએનએસ વિક્રાંતના 1971ના યુદ્ધમાં તેના યોગદાન અને મહત્ત્વને કારણે તેમણે 2000 રૂપિયાનું યોગદાન આપ્યું હતું, પરંતુ તેમણે 2014માં જાણ્યું કે યુદ્ધજહાજને સ્ક્રેપ કરીને રૂ. 60 કરોડમાં એક કંપનીને હરાજીમાં આપવામાં આવ્યું હતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોમૈયાએ ટ્વીટ કર્યું હતું કે તેમણે 2013માં રાજ્યપાલને પત્ર લખ્યો હતો કે યોગદાન આપવા માટે મુંબઈગરા તૈયાર છે. ફરિયાદીનો આરોપ છે કે ગવર્નરની ઓફિસે એક જવાબમાં કહ્યું કે સોમૈયા પાસેથી 2013થી 14 સુધી કોઈ પૈસા મળ્યા નથી.

સોમૈયાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અશોક મુંદરગીએ જણાવ્યું હતું કે 10 ડિસેમ્બર, 2013ના રોજ ચર્ચગેટ સ્ટેશનની બહાર હાથ ધરવામાં આવેલી સેવ વિક્રાંત ડ્રાઇવમાંથી માત્ર રૂ. 11,224 ભેગા કરવામાં આવ્યા હતા. શિવસેના, ભાજપ અને આરપીઆઈ (આઠવલે જૂથ) સહિત સંબંધિત સમયે ગઠબંધનમાં રહેલા રાજકીય પક્ષો હતા. યુદ્ધજહાજને બચાવવા માટે 17 ડિસેમ્બરે ભારતના રાષ્ટ્રપતિને પણ પત્ર લખ્યો હતો.

ભેગા કરેલા ભંડોળનું શું કર્યું
તેમણે ઉમેર્યું હતું કે લગભગ રૂ. 57 કરોડની રકમ માત્ર એક રાજકીય નેતાના ઇન્ટરવ્યુ પર આધારિત છે અને આ રકમ ઇન્ટરવ્યુના બીજા દિવસે એફઆઇઆરમાં નોંધવામાં આવી હતી. ન્યાયાધીશે જાણવા માગ્યું કે રૂ. 11,000 ગવર્નરની ઑફિસમાં જમા કરાવવામાં આવ્યા હતા. તે સામે મુંદરગીએ જવાબ આપ્યો કે રાજ્યપાલ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો અને પૈસા પક્ષ, પક્ષના કાર્યકરો અથવા ક્યાંક પડ્યા હોવા જોઈએ, કારણ કે, સોમૈયા સંબંધિત સમયે સાંસદ હતા.

નીલ સોમૈયાની અરજી દાખલ નથી
તેમણે કોર્ટને જાણ કરી હતી કે નીલ સોમૈયા દ્વારા ધરપકડ પૂર્વેની જામીન અરજી હજુ સુધી દાખલ કરવામાં આવી નથી કારણ કે સેશન્સ કોર્ટ દ્વારા તેમની અરજીને નકારી કાઢવાનો આદેશ મંગળવારે મોડી રાત્રે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...