નિર્ણય:આઈએનએસ વિક્રાંત ઓગસ્ટ 2022 સુધી સેવામાં દાખલ થશે

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોથી સ્કોર્પિન ક્લાસની સબમરીન આઈએનએસ વેલા સેવામાં દાખલ

ઘરઆંગણે નિર્માણ કરવામાં આવેલાં વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ (ઈન્ડિયન નેવલ શિપ) વિક્રાંત ઓઘસ્ટ 2022 સુધી સેવામાં દાખલ કરવામાં આવશે. તેના બે તબક્કા સુધીનાં પરીક્ષણો સફળ થયાં છે, એમ ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે ગુરુવારે જણાવ્યું હતું. મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ચોથી સ્કોર્પિન ક્લાસની સબમરીન આઈએનએસ વેલા ભારતીય નૌકાદળની સેવામાં ગુરુવારથી દાખલ થઈ. આ અવસરે તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા.

અમે આઈએનએસ વિક્રાંતની સફળ સમુદ્રિ ટ્રાયલ તાજેતરમાં યોજી હતી. ઓગસ્ટ 2022 સુધી તેને સેવામાં દાખલ કરીશું. ઓક્ટોબરમાં વિક્રાંતની બીજી સમુદ્રિ ટ્રાયલ સફળતાથી પાર પડી હતી. પ્રથમ ટ્રાયલ ઓગસ્ટમાં લેવાઈ હતી. ટ્રાયલની સમીક્ષા સધર્ન નેવલ કમાન્ડના વાઈસ એડમિરલ એ કે ચાવલાએ કરી હતી.ઘરઆંગણે નિર્માણ પામેલી વિક્રાંત 262 મીટર લાંબી, 62 મીટર પહોળી અને 59 મીટર ઊંચી છે. તેની પર સુપરસ્ટ્રક્ચર પર પાંચ સહિત 14 ડેક છે. તેમાં 2300 કમ્પાર્ટમેન્ટ છે, જે આશરે 1700 જણના ક્રુ માટે તૈયાર કરાયા છે. ખાસ કરીને મહિલા અધિકારીઓ માટે અલાયદી મુકામની વ્યવસ્થા છે.આઈએનએસ વેલા ભારતીય નૌકાદળની સેવામાં દાખલ થયેલી ચોથી સ્કોર્પિન ક્લાસની સબમરીન છે.

ચીન અને પાકિસ્તાન પર નજર
ભારત અને ફ્રાન્સની ભાગીદારીમાં પી-75 પ્રોજેક્ટ હેઠળ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-75માં અડધી રાહ સુધી અમે પહોંચ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહકારની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. અમે ચીન અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહકાર પર બારીકાઈથી દેખરેખ રાખી રહ્યા છીએ. ચીન પાસેથી પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરાયેલી પ્રાપ્તિઓ ગતિશીલતામાં બદલાવ લાવી શકે છે, જેથી અમારે સતર્ક રહેવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.

કોવિડ અને એલએસીનો પડકાર
કોવિડ-19 અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) વિશે નૌકાદળના પ્રમુખે જણાવ્યું કે મારા કાર્યકાળમાં આ સૌથી મોટો પડકાર હતો. એક બાજુ કોવિડની સ્થિતિ અને બીજી બાજુ તે જ સમયગાળામાં એલએસીનો તણાવ હતો, જેથી આ પડકાર વધુ મુશ્કેલ બન્યો હતો. જહાજો પર શારીરિક અંતર જાળવવાનું અમારે માટે શક્ય નહોતું, પરંતુ અમે બધું જ પાર પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...