શાહી ફેંકાઈ:પોલીસે કસ્ટડીમાં લીધા બાદ અભિનેત્રી પર શાહી ફેંકાઈ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેની થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર વિરુદ્ધ સોશિયલ મિડિયા પર વાંધાજનક પોસ્ટ લખવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. કસ્ટડીમાં લીધા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેની પર શનિવારે કાળી શાહી ફેંકી હતી. અભિનેત્રી સામે 3 કેસ નોંધાયા છે. આમાંથી એક કેસ થાણે શહેરના કલવા પોલીસ સ્ટેશનમાં અને બે પુણે અને મુંબઈમાં નોંધાયા છે.

થાણેમાં નોંધાયેલી એફઆઈઆર ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. ઉપરાંત અન્ય બે કેસ પણ મુંબઈ અને પુણેમાં નોંધાયા છે, અને તે પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી રહ્યા છે. પુણેમાં કેતકી સાથે અભિનેતા નિખિલ ભામરે વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કસ્ટડીમાં લીધા બાદ કેતકીની મુશ્કેલી વધી શકે છે. ઔરંગાબાદના સૂતગીરાણી ચોકમાં પણ અભિનેત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીં મહિલાઓએ તેની તસવીર પર કાળો રંગ પણ ફેંક્યો હતો.

પોસ્ટમાં શું લખ્યું છે? : કેતકીએ પોતાની પોસ્ટમાં શરદ પવારનું નામ નથી લખ્યું, પરંતુ તેણે અટક પવાર અને ઉંમરનો ઉલ્લેખ કરીને 80 વર્ષ લખ્યું છે. ટીવી અને ફિલ્મ અભિનેત્રી કેતકીએ એક દિવસ પહેલાં એક પોસ્ટ શેર કરી હતી. મરાઠીમાં લખાયેલી આ પોસ્ટમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર કે તેમના પૂરા નામનો સીધો ઉલ્લેખ નથી. તેની અટક પવાર છે અને તેની ઉંમર 80 વર્ષની છે એમ લખ્યું છે. પવાર 81 વર્ષના છે. પોસ્ટમાં “હેલ ઇઝ વેઇટિંગ’ અને “તમે બ્રાહ્મણોને નફરત કરો છો’ જેવી ટિપ્પણીઓ લખવામાં આવી છે, જે કથિત રીતે વરિષ્ઠ નેતાની ટીકા છે.

કાળી શાહી ફેંકવી જામીનપાત્ર ગુનો
લોકો કાળી શાહીથી હુમલો કરે છે, કારણ કે તેઓ સરળતાથી કાયદાકીય રીતે છૂટી જાય છે. હુમલાખોર પર ભારતીય દંડ સંહિતાની કલમ 503 (કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અથવા નુકસાન પહોંચાડવાની ધમકી) અને કલમ 504 (શાંતિનો ભંગ ઉશ્કેરવાના હેતુથી ઈરાદાપૂર્વકનું અપમાન)નો આરોપ લગાવી શકાય છે. આ બંને જામીનપાત્ર ગુના છે, જે 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને સજાપાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...