હુકુમ:શીના બોરા કેશમાં ઈન્દ્રાણીની જામીન અરજી ફરીથી ફગાવાઈ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2017થી ઈન્દ્રાણીની છઠ્ઠી અરજી ફગાવવામાં આવી

પુત્રી શીના બોરાની હત્યા કરવા પ્રકરણે મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીની જામીન અરજી મુંબઈ હાઈ કોર્ટે ફરી એક વાર ફગાવી દીધી છે. 2017થી ઈન્દ્રાણીએ જામીન માટે કરેલી આ છઠ્ઠી અરજી હતી. જસ્ટિસ નીતિન સાંબ્રે સામે સુનાવણી થઈ હતી. ખાસ કરીને વિશેષ અથવા તબીબી કારણસર નહીં પણ ફક્ત પાત્રતાને આધારે આ અરજી કરાઈ હતી, જેની પર દલીલો પૂરી થયા પછી કોર્ટે નોંધ કરી કે દલીલો સાથે હું સંમત નથી અને અરજી ફગાવવા પૂર્વે તે પાછી ખેંચી લેવાની તક પણ આપવામાં આવી હતી.

શીનાનું અપહરણ, હત્યા અને મૃતદેહનો નિકાલ લાવવા અન્ય આરોપીઓ સાથે સક્રિય ભાગ લીધો હોવાનું જણાવીને સીબીઆઈએ અરજીનો વિરોધ કર્યો હતો. 50 વર્ષીય ઈન્દ્રાણી છેલ્લાં છ વર્ષથી જેલમાં છે. મુંબઈ સેશન્સ કોર્ટમાંની વિશેષ સીબીઆઈ કોર્ટમાં ચાલતા કેસમાં 253માંથી ફક્ત 68 સાક્ષીદાર જ હજુ સુધી તપાસવામાં આવ્યા છે. આથી કેસ લાંબો ચાલવાનો સંકેત મળે છે. આથી આરોપીને હજુ કેટલો સમય જેલમાં રાખશો એવો મુખ્ય સવાલ અરજી થકી કરવામાં આવ્ય હતો. ઉપરાંત ઈન્દ્રાણીને જેલમાં વિવિધ બીમારીઓ લાગુ થઈ છે. તેને સતત માનસિક ત્રાસ થઈ રહ્યો છે એવો અહેવાલ પણ જોડવામાં આવ્યો હતો.

આ પૂર્વે તબીબી કારણોસર જામીન અરજી કરાઈ હતી. કોરોના લાગુ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. જોકે કોરોના લાગુ નહીં થાય તેનું યોગ્ય રીતે ધ્યાન જેલ પ્રશાસન આપી રહ્યું છે અને જેલમાં યોગ્ય પ્રમાણમાં દવાઓ, અન્ય તબીબી સુવિધાઓ, ડોક્ટરો ઉપલબ્ધ છે એવું કહીને અરજી નકારવામાં આવી હતી. તેને જામીન અપાય તો સાક્ષીદારો પર દબાણ લાવી શકે છે, જેની સીધી અસર કેસ પર પડી શકે છે. આથી જામીન નહીં આપવા જોઈએ એમ સીબીઆઈએ જણાવ્યું હતું.નોંધનીય છે કે 24 એપ્રિલ, 2012ના રોજ શીનાની હત્યા કરવામાં આવી હતી.

દરમિયાન 2015માં ઈન્દ્રાણીના ડ્રાઈવર શામવર રાયની ગેરકાયદેસર રીતે શસ્ત્ર રાખવા માટે ધરપકડ કરવામાં આવી હતી. ઊલટતપાસમાં તેણે શીનાની હત્યાની કબૂલાત કરી હતી, જે પછી ઈન્દ્રાણીની ધરપકડ કરાઈ હતી. ઈન્દ્રાણીનો પહેલો પતિ સંજીવ ખન્ના અને શામવરે મળીને પહેલા પતિથી થયેલી પુત્રી શીનાની હત્યા કરીને 25 એપ્રિલ, 2012ના રોજ મહારાષ્ટ્રના એક જિલ્લાના જંગલમાં લાશનો નિકાલ લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...