ઈન્દ્રાણી મુખરજી કેસ:જામીનની શરતો નક્કી થયા પછી જ ઈન્દ્રાણીનો છુટકારો થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઈન્દ્રાણીના વકીલ ટ્રાયલ કોર્ટમાં જશે, ભૂતકાળમાં સ્વાસ્થ્યના કારણો આપીને કરાયેલી જામીન અરજીઓ ટ્રાયલ કોર્ટે અનેક વાર નકારી હતી

શીના બોરા હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર ઈન્દ્રાણી મુખરજીને સુપ્રીમ કોર્ટે જામીન આપવા છતાં તેની જામીનની શરતો ટ્રાયલ કોર્ટ નક્કી કરવાની હોવાથી ભાયખલા મહિલા જેલમાંથી બહાર આવવા માટે તેણે વાટ જોવી પડશે. ઈન્દ્રાણીનાં વકીલ સાના રઈસ શેખે કહ્યું કે અમે જામીનની શરતો નક્કી કરવા વિશેષ સીબીઆઈ કોર્ટમાં શુક્રવારે અરજી કરીશું. પુત્રી શીના (24)ની હત્યાનાં ત્રણ વર્ષ પછી ઈન્દ્રાણીની ઓગસ્ટ 2015માં ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે બુધવારી નોંધ કરી કે ઈન્દ્રાણીએ સાડાછ વર્ષ જેલમાં વિતાવ્યાં છે અને ટ્રાયલ હજુ ચાલુ થવાની શક્યતા નહીં હોવાથી તેને જામીન આપવામાં આવે છે. આ સાથે વિશેષ સીબીઆઈ કોર્ટને જામીનની શરતો નક્કી કરવા કહ્યું છે. ઈન્દ્રાણીના ભૂતપૂર્વ પતિ અને સહ-આરોપી પીટર મુખરજીને માર્ચ 2020માં જામીન અપાયા તે જ શરતો ઈન્દ્રાણી પર લાગુ કરવાનું સૂચન પણ કોર્ટે કર્યું હતું.

પીટર મુખરજીને રૂ. 2 લાખના બોન્ડ પર જામીન અપાયા હતા. તપાસમાં ચંચુપાત નહીં કરવા અને પુરાવા સાથે ચેડાં નહીં કરવાની શરત રાખવામાં આવી હતી. હવે ઈન્દ્રાણીના વકીલ સીબીઆઈ કોર્ટમાં જશે, જે જામીનની શરતો નક્કી કરશે, જેમાં તપાસમાં સહયોગ આપવો, પર્સનલ બોન્ડ ભરાવવો અને એક કે બે શ્યોરિટી આપવા જેવી શરતોનો સમાવેશ રહેશે, જે પછી ઈન્દ્રાણીના વકીલ જેલ પ્રશાસનને જાણ કરશે. આ પછી જ ઈન્દ્રાણી બહાર આવશે. શુક્રવારે બહાર આવી શકે છે.

નોંધનીય છે કે ભૂતકાળમાં ઈન્દ્રાની પાત્રતા અને સ્વાસ્થ્યના કારણો આપીને કરાયેલી જામીન અરજીઓ ટ્રાયલ કોર્ટે અનેક વાર નકારી કાઢી હતી. સીબીઆઈએ સતત જમીન અરજીઓનો વિરોધ કર્યો હતો. ફેબ્રુઆરી 2020માં પીટરને હાઈ કોર્ટના જસ્ટિસ એન ડબ્લ્યુ સાંબ્રેની ખંડપીઠે જામીન આપ્યા હતા, પરંતુ ઈન્દ્રાણીને છોડવાનો ઈનકાર કર્યો હતો.

સીબીઆઈએ દલીલ કરી હતી કે તે પોતાની પુત્રીની હત્યાની મુખ્ય આરોપી છે અને લાંબા સમય સુધી ગુનો છુપાવી રાખ્યો હતો, જેથી દયા માટે પાત્ર નથી.આરોપીમાંથી તાજના સાક્ષી બનેલા ઈન્દ્રાણીની ડ્રાઈવર અને સાક્ષીદારોએ પણ ગુનામાં ઈન્દ્રાણીની ભૂમિકા કબૂલી હોવાથી જામીન આપી શકાય નહીં એવી નોંધ કોર્ટે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...