નિર્દેશ:અગ્નિસુરક્ષા નિયમાવલીનો 2034ની વિકાસ રૂપરેખામાં સમાવેશનો નિર્દેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમ અમલમાં મૂકવા મહારાષ્ટ્ર સરકારનું તંત્ર આટલું બધું રેઢિયાળ શા માટે? કોર્ટનો સવાલ

મુંબઈમાં ઈમારતોમાં આગની અનેક ઘટનાઓ બની છે છતાં અગ્નિસુરક્ષા નિયમોની અમલબજાવણી કરવામાં રેઢિયાળપણું થતું હોવાથી મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી. નિયમ અમલમાં મૂકવા માટે પ્રશાસન ઉદાસ શા માટે એવો સવાલ કરતા મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ એમ.જી. સેવલીકરની ખંડપીઠે 2034ની વિકાસ રૂપરેખામાં અગ્નિસુરક્ષા નિયમાવલીનો સમાવેશ કરો એવો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો.

મંત્રાલય, કરી રોડ ખાતેના અવિઘ્ન પાર્ક ટાવર, તારદેવની કમલા મિલ આગની ઘટનાઓ સાથે જ મુંબઈના બીજા ભાગોની રહેવાસી ઈમારતો અને દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાઓમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો. 26/11ના હુમલા પછી રાજ્યના નગરવિકાસ વિભાગે અગ્નિસુરક્ષા સંદર્ભે 27 ફેબ્રુઆરી 2009માં પ્રારુપ અધિસૂચના જાહેર કરી હતી. અનેક વર્ષ વીતી જવા છતાં આ સંદર્ભે અંતિમ અધિસૂચના કાઢવામાં આવી નથી એના વિરોધમાં એડવોકેટ આભા સિંઘે મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી છે.

આ અરજી પર સુનાવણી થઈ હતી. એ સમયે અરજદાર વતી એડવોકેટ આદિત્ય પ્રતાપે દલીલ કરી હતી. તમામ પ્રાધિકરણને આ નિયમોનું પાલન કરવાનો આદેશ કોર્ટે આપવો અને માનવ નિર્મિત આપતિઓ માટે સુરક્ષિત ન હોય એવી ઈમારતોમાં અગ્નિસુરક્ષા તથા બીજા વિશેષ સુરક્ષા નિયમોની અમલબજાવણી કરવામાં આવે એવી માગણી તેમણે કરી હતી.

2009માં મંત્રાલયની ઈમારતમાં લાગેલી આગમાં અનેક કાગળપત્રો બળી ગયા, રેકોર્ડ્સ નાશ પામ્યા. એની યાદ અપાવતા 2008થી સુરક્ષા નિયમોની અમલબજાવણી કરવામાં રેઢિયાળપણું થવાથી ખંડપીઠે આ બાબતે પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા. આગની અનેક ઘટનાઓ બનવા છતાં 2034ની વિકાસ રૂપરેખામાં અગ્નિસુરક્ષાની નિયમાવલીનો સમાવેશ કરવાની જરૂર રાજ્ય સરકારને લાગી નથી એવું નિરીક્ષણ ખંડપીઠે નોંધ્યું હતું.

વધુ એક પેનલ
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ હિતેન વેનેગાવકરે દલીલ કરી હતી. તેમણે એફિડેવિટ રજૂ કરતા ખંડપીઠને જણાવ્યું કે સરકાર આધુનિક ટેકનોલોજીની મદદથી નવા સુરક્ષા નિયમ તૈયાર કરવા વધુ એક નિષ્ણાત પેનલ કરવાનો વિચાર કરી રહી છે. ખંડપીઠે સરકારનો આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો અને રાજ્ય સરકારે સુરક્ષા માર્ગદર્શક ધોરણ લાગુ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ એમ સ્પષ્ટ કરતા સુનાવણી 18 જુલાઈના રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...