ભાસ્કર વિશેષ:ક્રાંતી મેદાનથી મણીભવન સુધી સ્વાતંય કોરિડોર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા, ફૂટપાથ અને અન્ય સુવિધાઓનું સુશોભીકરણ કરવામાં આવશે

ભારતીય સ્વાતંત્ર્ય લડાઈમાં 1942ની ભારત છોડો ચળવળે ઈતિહાસ રચ્યો અને બ્રિટિશરોને ઈંગ્લેન્ડ પાછા જવું પડ્યું હતું. આ ક્રાંતીની પહેલી મશાલ મહાત્મા ગાંધીએ જ્યાં સળગાવી તે ઓગસ્ટ ક્રાંતી મેદાનની હવે કાયાપલટ થશે. ઓગસ્ટ ક્રાંતી મેદાનથી મણીભવન સુધીના માર્ગનો સ્વાતંત્ર્ય માર્ગ કોરિડોર તરીકે વિકાસ કરવામાં આવશે. આ બંને ઐતિહાસિક, રાજકીય મહત્વવાળા ઠેકાણાને જોડવા માટે આ માર્ગ પરના રસ્તા, ફૂટપાથ અને અન્ય સુવિધાઓનું સુશોભીકરણ કરવામાં આવશે.

સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવનું ઔચિત્ય સાધીને દેશમાં વિવિધ ઠેકાણે સરકારી યંત્રણા મારફત નવા ઉપક્રમ અમલમાં મૂકાઈ રહ્યા છે. સ્વાતંત્ર્ય ચળવળમાં મુંબઈ એક મહત્વનું રાજકીય કેન્દ્ર હતું. આ બાબત ધ્યાનમાં લઈને મુંબઈ મહાપાલિકા અને રાજ્ય સરકારે ગ્રાન્ટ રોડ ખાતે ગોવાલિયા ટેંક પરિસરના ઓગસ્ટ ક્રાંતી મેદાનના સુશોભીકરણનો પ્રકલ્પ તૈયાર કર્યો છે. આ પ્રકલ્પની કયાસ બેઠકમાં પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે, મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત અશ્વિની ભિડે સહિત મહાપાલિકા અને એમટીડીસીના અધિકારીઓ ઉપસ્થિત હતા.

ઓગસ્ટ ક્રાંતી મેદાનની બહાર મહાપાલિકાનું પાર્કિંગ, કેટલીક દુકાનો અને બસસ્ટોપ તથા બીજા બાંધકામ છે. તેથી આ મેદાન ઢંકાઈ ગયું છે. બહારથી મેદાનનો કોઈ ભાગ દેખાતો નથી. મેદાનની બહારની તમામ આડશ મહાપાલિકા હટાવીને મેદાનને મુક્ત કરશે. એ પછી મેદાનથી ગાવદેવીના લેબનન માર્ગ પરના મણીભવન સુધી ખરાબ અવસ્થાવાળા રસ્તા અને ફૂટપાથોનું સુશોભીકરણ કરવામાં આવશે. આ બંને સ્થાપત્ય હેરિટેજમાં આવતી હોવાથી એને શોભે એવું કામ કરવામાં આવશે. આ માર્ગને સ્વાતંત્ર્ય માર્ગ સંબોધન કરવામાં આવશે.

મેમોરિયલ વોલ
ઓગસ્ટ ક્રાંતી મેદાન 1942ની સ્વાતંત્ર્ય લડતનું પ્રેરણાસ્થાન છે. આ મેદાનનું નૂતનીકરણ રાજ્ય સરકાર કરશે. મેદાનની બહાર મહાપાલિકાના કામ પૂરા થશે એટલે આ કામની શરૂઆત કરવામાં આવશે. 1942ની ચળવળમાં બલિદાન આપનારા તેમ જ આ લડાઈમાં સહભાગી સ્વાતંત્ર્યસૈનિકોના સ્મારક ઊભા કરીને તેમના નામ લખવામાં આવશે.

ઐતિહાસિક માહિતી બોર્ડ દ્વારા
ગોવાલિયા ટેંકથી મણીભવન માર્ગ પરની બાજુની ગલ્લીમાં મુંબઈની છોકરીઓની પ્રથમ સ્કૂલ તેમ જ મહિલાઓની પ્રથમ પંડિતા રમાબાઈ હોસ્ટેલ, આર્ય સમાજ હોસ્ટેલ છે. એને પણ આ સ્વાતંત્ર્ય માર્ગ સાથે જોડવામાં આવશે. આ સ્થાપત્યોની ઐતિહાસિક માહિતી બોર્ડ દ્વારા આપવામાં આવશે. ઠેકઠેકાણે સ્કેનિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

તેથી આ ભાગમાં સ્વાતંત્ર્ય ચળવળની તમામ રાજકીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક બાબતોની માહિતી પર્યટકોને મળશે એવી માહિતી મહાપાલિકાના ડી વોર્ડના સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે આપી હતી. આ કામની રૂપરેખા મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં ટેંડર મગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...