તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:બાંધકામમાં વધારો, અપૂરતી નાળાની સફાઈને લીધે મુંબઈ જળબંબાકાર થાય છે

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સમુદ્ર- તળાવમાં ભરણી, નદીના પ્રવાહોમાં અવરોધ, મેન્ગ્રોવ્ઝનો વિનાશ પણ કારણભૂત

મુંબઈમાં 2005માં જુલાઈમાં કાળમુખાં પૂરે સર્જેલો વિનાશ તેના ઈતિહાસમાં ભાગ્યે જ ક્યારેય જોવા મળ્યો છે. જોકે તે પછી મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં મુંબઈમાં ઠેકઠેકાણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. વિરોધીઓ દ્વારા સત્તાધારીઓની ટીકા કરવામાં આવે છે. સત્તાધારીઓ બચાવ કરે છે. આમ ને આમ ચોમાસુ વીતી જાય છે અને બધું ભુલાઈ જવાય છે. ફરી ચોમાસુ આવતાં તેનું પુનરાવર્તન થાય છે. જોકે પૂરસંકટ ટાળવા માટેકોઈ નક્કર પગલાં લેવાતાં હોય તેવું દેખાતું નથી.sનિષ્ણાતો મુંબઈમાં વધતાં બાંધકામ, સમુદ્ર- ખાડી- તળાવોમાં ભરણી, નદીઓના પ્રવાહમાં અવરોધ, અપૂરતી નાળાસફાઈ તે માટે કારણભૂત ગણાવે છે. મહાપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને નાળાસફાઈ કરાવવામાં આવે છે, પરંતુ તે છતાં ચોમાસુ બેસતાં નાળાઓ ઊભરાવા લાગે છે. દેખીતી રીતે જ અનેક ઠેકાણે નાળાસફાઈ બરોબર કરવામાં આવતી નથી એવું ધ્યાનમાંઆવે છે.

બીજી બાજુ મુંબઈમાં બાંધકામ પ્રવૃત્તિઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેસુમાર વધી છે. ઘણી બધી નૈસર્ગિક જગ્યાઓ પર મોટી મોટી ઈમારતો ચણી દેવામાં આવી છે. આને કારણે જમીનની પાણી શોષી લેવાની ક્ષમતા ઓછી થઈ રહી છે. ઘણી જગ્યાએ તો બાંધકામ સ્થળનો કચરો- કાટમાળ નાળાઓ, ડ્રેનેજ સિસ્ટમમાં ફેંકવામાં આવે છે, જેને લીધે પાણીના માર્ગ અવરોધાય છે.કાંચન શ્રીવાસ્તવ અન અદિતિ ટંડન દ્વારા મોંગાબે માટે 2019માં તૈયાર કરાયેલા અહેવાલ અનુસાર સમુદ્ર, ખાડી, તળાવો, નાળાઓમાં ભરણી કરીને જમીન તૈયાર કરવાને લીધે પણ પાણી ભરાય છે. આ અહેવાલ અનુસાર 1991થી છેલ્લા ત્રણ દાયકામાં મુંબઈમાં જમીન 50 ચોરસ કિલોમીટરથી વધી છે. જોકે ભરણી કરેલી મોટા ભાગની જમીનની નીચાળવાળી અને પૂર સંવેદનશીલ ક્ષેત્રમાં હોવાથી પાણી જમા થાય છે. સમુદ્રની સરેરાશ સપાટી અમુક ઠેકાણે એક મીટરથી ઓછી છે, જેને લીધે જોરમાં વરસાદ પડતાં ઊંચાં મોજાં નિર્માણ થઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે એવું પણ આ અહેવાલમાં જણાવ્યું છે.નદીઓના પ્રવાહમાં અવરોધ: મોંગાબેના અહેવાલ અનુસાર મીઠા નદીમાં ઉદ્યોગોનું દૂષિત પાણી, શહેરમાંનું ગંદું પાણી છોડવાને લીધે અને પ્રવાહના માર્ગમાં ઊભા થયેલા અનધિકૃત બાંધકામને લીધે અડચણો નિર્માણ થઈ રહી છે. નદીને નાળાનું રૂપ મળ્યું છે. દહિસર, પોઈસર, ઓશિવરા, કાલીના, કુર્લા સહિત ઠેકઠેકાણે આ નદીને કિનારે ખુલ્લી જગ્યા બચી નથી. તેને કાંઠો નવી નવી વસાહતો, ઈમારતો ઊભી રહી છે. આથી નદીમાં પૂર આવતાં કિનારાની વસતિઓમાં પૂર આવે છે. બલકે, 2005નાં કાળમુખાં પૂર પછી એવું ધ્યાનમાં આવ્યું હતું કે દહિસરથી બાંદરા સુધી મીઠી નદીમાં અનેક અવરોધોને કારણે મુંબઈમાં ભયાવહ સ્થિતિ ઊભી થઈ હતી. આ પછી મીઠી નદીની સફાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ તેના માર્ગમાં અનધિકૃત નિર્માણ અને બેસુમાર કચરો છે.

ડ્રેનેજ યંત્રણા પણ ઓછી પડે છે
શહેરમાંથી પાણી સમુદ્રમાં જવા માટે આઉટલેટ સમુદ્રની ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ પર છે તે પણ મોટી સમસ્યા છે. આથી સમુદ્રમાં ભરતી અને અતિભારે વરસાદ આવે એટલે પાણી સમુદ્રમાં જઈ શકતું નથી. હાલના નાળા અને ડ્રેનેજ યંત્રણા કલાકના એક ઈંચ વરસાદ પાણીનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે. આને કારણે એક ઈંચથી વધુ વરસાદ પડતાં સર્વત્ર પાણી ભરાવાનું શરૂ થાય છે. જ્યારે 2019ના અહેવાલમાં આ યંત્રણા બે ઈંચ સુધી વધારવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો છે.

મેન્ગ્રોવ્ઝનો પણ મોટે પાયે નાશ
મુંબઈમાં 40 ટકા ખારફૂટ વનસ્પતિ (મેન્ગ્રોવ્ઝ) 1990થી 2005 સુધી નષ્ટ થયું હોવાનું વનશક્તિ સંસ્થાના સંશોધનમાં બહાર આવ્યું છે. મેન્ગ્રોવ્ઝ સમુદ્ર, નદીઓ, ખાડીના પાણીને રોકવાનું કામ કરે છે. જોકે તે નષ્ટ થવાથી આ પાણી બહાર આવવા લાગ્યું છે. આમ, આ વિવિધ કારણો મુંબઈમાં પૂર માટે જવાબદાર છે, જેમાં સુધારણા થાય તો જ ફરક પડશે. અન્યથા પરિસ્થિતિ યથાવત રહેશે, એમ નિષ્ણાતો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...