તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:મુંબઈમાં કોરોના પ્રતિબંધિત ઈમારતોની સંખ્યામાં વધારો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા દસ-બાર દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે
  • પાંચ કરતા વધુ દર્દીઓ ઈમારતમાં મળે તો એ ઈમારત 14 દિવસ માટે સીલ કરવાનો નિયમ છે, કડક અમલવારી ચાલુ

છેલ્લા દસ-બાર દિવસમાં મુંબઈમાં ફરીથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી મુંબઈમાં પ્રતિબંધિત ઈમારતોની સંખ્યા અને પ્રતિબંધિત માળાઓની સંખ્યા પણ વધી રહી છે.

18 ઓગસ્ટના મુંબઈમાં 24 ઈમારતો પ્રતિબંધિત હતી જે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ 48 થઈ છે. એ સાથે જ વિવિધ ઠેકાણેની ઈમારતોમાં 1200થી વધુ માળાઓ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

કોરોનાના પ્રતિબંધો હળવા કર્યા હોવાથી સાર્વજનિક ઠેકાણે નાગરિકોની સંખ્યા વધી રહી છે. ઉત્સવોના દિવસ નજીક આવી રહ્યા હોવાથી બજારોમાં ખરીદી માટે ગિરદી થઈ રહી છે. તેથી છેલ્લા દસ-બાર દિવસોથી મુંબઈમાં દૈનિક દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ઓગસ્ટમાં 200 સુધી નીચે આવેલ દર્દીઓનો દૈનિક આંકડો અત્યારે 400થી વધુ પહોંચ્યો છે. દર્દીઓમાં વધારો થઈ રહ્યો હોવાથી મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે તાજેતરમાં તમામ મહાપાલિકા અધિકારીઓની બેઠક લઈને કોરોનાની સ્થિતિનો કયાસ કાઢ્યો હતો.

આ બેઠકમાં કોરોનાના પ્રતિબંધાત્મક નિયમોનું કઠોર પાલન કરવાની સૂચના તેમણે આપી હતી. પાંચ કરતા વધુ દર્દીઓ ઈમારતમાં મળે તો એ ઈમારત 14 દિવસ માટે સીલ કરવાનો નિયમ છે અને એની કઠોર અમલબજાવણી કરવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો. લોકોને અગવડ થાય તો પણ કોરોનાનો ફેલાવો ન થાય એ માટે આ નિયમોનું પાલન કરવાનો નિર્દેશ કમિશનરે આપ્યો છે. પાંચ કરતા ઓછા દર્દીઓ મળે તો દર્દીઓ રહેતા હોય એ જ માળાને સીલ કરવાનો નિયમ છે. એ અનુસાર તમામ વોર્ડ કાર્યાલયોમાં અત્યારે અમલબજાવણી ચાલુ છે. છેલ્લા દસ-બાર દિવસમાં પ્રતિબંધિત ઈમારતોની સંખ્યા બમણી થઈ છે. મુંબઈમાં લાલબાગ, પરેલ, ભાયખલા, દાદર, માહીમ, કોલાબા, બાન્દરા, ખાર પશ્ચિમ, વડાલા, નાયગાવ ભાગમાં ઝડપથી દર્દીઓમાં વધારો થઈ રહ્યો હોવાનું જણાયું છે.

સૌથી વધુ સીલ્ડ ઈમારતો બાન્દરા પશ્ચિમમાં
મુંબઈમાં 18 ઓગસ્ટના ફક્ત 24 ઈમારતો પ્રતિબંધિત હતી. 2 સપ્ટેમ્બરના પ્રતિબંધિત ઈમારતોની સંખ્યા 48 પર પહોંચી હતી. સદનસીબે મુંબઈમાં પ્રતિબંધિત ચાલીઓ અને ઝૂપડપટ્ટીઓની સંખ્યા શૂન્ય છે. પ્રતિબંધિત ઈમારતોમાં સૌથી વધુ ઈમારતો બાન્દરા પશ્ચિમમાં છે. એ પછીના ક્રમે અંધેરી, જોગેશ્વરી પશ્ચિમના ભાગવાળો કે પશ્ચિમ વોર્ડ, ચેંબુર, મલબાર હિલ, ગ્રાન્ટ રોડ ભાગ છે. મુંબઈમાં અત્યારે 1285 ઠેકાણે ઈમારતોના માળાઓ પ્રતિબંધિત છે. ફક્ત ભાંડુપ, બાન્દરા, ખાર પૂર્વનો ભાગ છોડીને બાકીના મુંબઈમાં અનેક ઠેકાણે માળાઓ પ્રતિબંધિત છે. એમાં સૌથી વધુ માળાઓ કાંદિવલી, અંધેરી પશ્ચિમ, દાદર, માહીમ, મલાડમાં છે.

પ્રતિબંધિત ઈમારતોના આંકડાઓ
બાન્દરા, ખાર, સાંતાક્રુઝ પશ્ચિમ (એચ પશ્ચિમ વોર્ડ)માં 11, અંધેરી, જોગેશ્વરી, વિલેપાર્લે (કે પશ્ચિમવોર્ડમાં) 9, ચેંબુર (એમ પશ્ચિમ વોર્ડ) 6, મલબાર હિલ, ગ્રાન્ટ રોડ (ડી વોર્ડ) 6 ઈમારતો પ્રતિબંધિત છે. કાંદિવલી (આર દક્ષિણ) 73, અંધેરી, વિલેપાર્લે પશ્ચિમ (કે પશ્ચિમ)માં 116, દાદર, ધારાવી, માહીમ (જી ઉત્તર)માં 102, મલાડ (પી ઉત્તર)માં 99, બોરીવલી (આર મધ્ય)માં 97 અને મુલુંડ (ટી વોર્ડ)માં 93 માળાઓ પ્રતિબંધિત છે.

અન્ય સમાચારો પણ છે...