તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પ્રેમીને પામવાના નામે ઠગ બાબાની સોફ્ટવેર એન્જિનિયર સાથે ઠગાઈ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખ્ખો રૂપિયા પડાવનારા બાબાને મીરા રોડથી ઝડપી લેવામાં આવ્યો

નવી મુંબઈના ખારઘરમાં રહેતી 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરનો યુવતીનો પ્રેમભંગ થવા પર પ્રેમીને પાછો મેળવવા ઠગબાબા પાસે પહોંચી ગઈ હતી. ઠગબાબાએ પ્રાણીનો બલી આપવો પડશે, પૂજાવિધિ વગેરેને નામે રૂ. 4.57 લાખ પડાવી લીધા હતા. જોકે તે છતાં કોઈ ફેર નહીં પડતાં યુવતીએ ખારઘર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ભારે જહેમતથી વસીમ રઈસ ખાન ઉર્ફે બાબા કબીર ખાન બંગાલી (33)ની ધરપકડ કરી છે. તે મીરા રોડના ગોવિંદ નગર સમર્થ એપાર્ટમેન્ટનો રહેવાસી છે, જ્યારે મૂળ ઉત્તર પ્રદેશના મેરઠ સિટીનો રહેવાસી છે.

યુવતીના પ્રેમીએ લગ્ન કરવાનો ઈનકાર કરતાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. એક દિવસ લોકલ ટ્રેનમાં બધી પીડા દૂર કરતા બાબા કબીર ખાન બંગાળીની જાહેરખબર જોઈ હતી. આથી પ્રેમીને ફરીથી લગ્ન માટે તૈયાર કરવા અને તેનાં અન્ય યુવતી સાથે નક્કી થયેલાં લગ્ન રદ કરવા માટે પીડિતા યુવતીએ બાબાનો સંપર્ક સાધ્યો હતો. બાબાએ સમયાંતરે મેરઠની દરગાહમાં પૂજાવિધિ કરવી પડશે, પ્રાણીનો બલી આપવો પડશે એવું કહીને રૂ. 4.57 પડાવી લીધા હતા. સર્વ વ્યવહાર ઓનલાઈન થયો હતો. જોકે કોઈ ફેર નહીં પડતાં યુવતીએ ફસાઈ ગઈ હોવાનું ભાન થયા પછી બાબા પાસે પૈસા પાછા માગ્યા હતા, નહિતર પોલીસમાં ફરિયાદ નોંધાવશે એમ બાબાને જણાવ્યું હતું.

બાબાએ જો પોલીસમાં ફરિયાદ નોંધાવશે તો પ્રેમી સાથે ક્યારેય મેળાપ નહીં થાય અને બરબાદી મળશે એવી ચીમકી આપી હતી. જોકે આ વખતે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. બાબા વારંવાર જગ્યાઓ બદલતો રહેતો હોવાથી અને તેનો ફોટો પણ નહીં હોવાથી તેને શોધવાનું મુશ્કેલ હતું. આથી પોલીસે યુવતીએ જેમાં પેમેન્ટ કર્યું હતું તે બાબાનો ગૂગલ પે નંબર, બેન્ક અકાઉન્ટ નંબર, કેવાયસીની માહિતી અને મોબાઈલ નંબર પ્રાપ્ત કરીને સીડીઆર વિશ્લેષણ કરીને આખરે મીરા રોડના ગોવિંદનગરમાંથી ઝડપી લીધો.

અન્ય સમાચારો પણ છે...