તપાસ:દત્તક આપવાને નામે રૂ. 2 લાખમાં બાળક વેચતી મહિલાની ધરપકડ

મુંબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાલીઓ પણ કબજામાં, આરોપી બાળ સુધારગૃહમાં કામ કરતી હતી

કલ્યાણમાં બાળકો દત્તક લેવાની ઈચ્છા ધરાવનારાઓને ગેરકાયદેસર રીતે બાળકો વેચતી એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. મહિલા બાળ સંરક્ષણ કક્ષ અને કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં આ ગંભીર મામલો બહાર આવ્યો છે. બાળકો દત્તક લેવાની ઈચ્છા ધરાવનારાઓનો આ મહિલા સંપર્ક કરતી હતી. આ પછી ગરીબોને પૈસાની લાલચ બતાવીને તેમના બાળકોને વેચાતા લેતી અને ઈચ્છા ધરાવનારાઓને વેચતી હતી. પોલીસે મહિલા સાથે બાળક વેચનારાં માતા- પિતાને પણ કબજામાં લીધાં છે.

આ ગોરખધંધો ચલાવતી મહિલાનું નામ માનસી જાધવ છે. માનસી થોડા મહિના ડોંબિવલી બાળ સુધારગૃહમાં કામ કરતી હતી. અહીં કામ કરતી વખતે તેને બાળકો દત્તક લેવાની ઈચ્છા ધરાવતા અનેક લોકોના ફોન કોલ્સ આવતા હતા. બાળકો દત્તક લેવાની પ્રક્રિયા અત્યંત લાંબી અને ગૂંચભરી છે. આ જ રીતે બાળકો મેળવવા માટે અનેક વર્ષ વાટ જોવી પડે છે. આથી આ મહિલા એવા વાલીઓને પકડીને તેમને આ પ્રક્રિયાની ઝંઝટ દૂર કરીને બાળકો મેળવી આપવાનું કામ કરતી હતી. જોકે વાસ્તવમાં તે ગરીબ વાલીઓ પાસેથી બાળકો વેચાતા લઈને વેચતી હતી. બંને પ્રકારના ગરજુઓનો સંપર્ક કરીને તેઆ ગોરખધંધો ચલાવતી હતી.બાળ સંરક્ષણ કક્ષના કર્મચારી ગ્રાહક બન્યા : પોલીસે જિલ્લા બાળ સંરક્ષણ કક્ષના કર્મચારીઓને નકલી ગ્રાહક બનાવ્યા હતા. શનિવારે આ નકલી ગ્રાહકોએ મહિલા પાસેથી 5 મહિનાના બાળકની રૂ. 1.90 લાખમાં ખરીદી કરી હતી. આ પછી મહિલાને અને બાળકન વેચનારાં માતા- પિતાને પોલીસે કબજામાં લીધાં હતાં. મહિલાએ આ અગાઉ પણ અમુક બાળકો વેચ્યા હોવાની માહિતી આપી છે. તેની તપાસ ચાલી રહી છે.

મહિલાની મોડસ ઓપરેન્ડી
મહિલાએ બાળ સુધારગૃહમાં બાળકો દત્તક લેવા માટે અરજી કરનાર એક કુટુંબનો સંપર્ક કર્યો હતો. મારી પાસે 5 વર્ષનું બાળક હોઈ તે રૂ. 2 લાખમાં આપવા તૈયાર હોવાનું આરોપી મહિલાએ જણાવ્યું હતું. વાસ્તવમાં આરોપીએ એક ગરીબ કુટુંબને તેમનું બાળક વેચવા માટે રાજી કર્યું હતું. આ મહિલાએ બાળક દત્તક લેવા માટે કુટુંબને પૂછપરછ કરી તે સમયે કુટુંબને બાળક ગેરકાયદેસર રીતે લેવાનું યોગ્યનહીં હોવાનું ભાન થયું હતું. આથી તેમણે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગને જાણ કરી હતી. આ પછી પ્રકરણની ગંભીરતા ધ્યાનમાં લેતાં વિભાગે પોલીસની મદદથી છટકું ગોઠવીને મહિલાને ઝડપી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...