તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ચેમ્બુરની સિદ્ધાર્થ કોલોનીમાં 700 ગ્રાહકો વર્ષોથી વીજ બિલ ભરતા નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજજોડાણ કાપવા જતાં ટોળાં ભેગા થવાને લીધે કાર્યવાહી પડતી મૂકવી પડી

વર્ષોથી વીજ બિલો નહીં ભરનારા ચેમ્બુરની સિદ્ધાર્થ કોલોનીના 700 ગ્રાહકોનાં વીજ જોડાણ કાપવાનો અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આના ભાગરૂપે બુધવારે પોલીસ રક્ષણ સાથે વીજ કર્મચારીઓ વીજ જોડાણ કાપવા માટે ગયા હતા, પરંતુ રહેવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ જતાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થઈ શકે એવું ધારીને કાર્યવાહી અધવચ્ચે જ પડતી મૂકવી પડી હતી.

એઈએમએલ સિદ્ધાર્થ કોલોનીમાં લગભગ 3250 ગ્રાહકોને વીજ પુરવઠો કરે છે. 2005થી આ બધા જ રહેવાસીઓ વીજ બિલ ભરતા નહોતા. તે સમયે વીજ કર્મચારીઓ કાર્યવાહી કરવા જતાં તેમને પકડીને બે દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. આ પછી 2014 સુધી વીજ કર્મચારીઓ ત્યાં જતા નહોતા અને રહેવાસીઓ મફતમાં વીજનો ઉપભોગ કરતા રહેતા હતા.

આખરે અમુક સ્થાનિકો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વીજ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જે પછી અમુક રહેવાસીઓએ બિલ ભરવાનું શરૂ કર્યું. જોકે 700 ગ્રાહકોએ મફત વીજ ઉપભોગ કરવાનું ચાલુ રાખ્યું છે. 2019માં ફરીથી બેઠક યોજાઈ હતી, જેમાં એવું નક્કી થયું કે આ કોલોની જે પણ ડેવલપર પુનઃવિકાસ માટે લેશે તેણે અગાઉનાં બધાં વીજ બિલોનાં લેણાં ચૂકતે કરવા પડશે, જે પછી જ વીજ કંપની ડેવલપરને એનઓસી આપશે.

જોકે 2019 પછી આ 700 ગ્રાહકો નિયમિત વીજ બિલો ભરશે એવી બાંયધરી આપી હતી, પરંતુ તે છતાં તેઓ બિલ ભરતા નથી, જે રકમ લગભગ રૂ. 2.5 કરોડ સુધી પહોંચી છે. આથી બુધવારે આમાંથી 35 રહેવાસીનાં વીજ જોડાણ કાપવાના લક્ષ્ય સાથે પોલીસ રક્ષણ હેઠળ વીજ કર્મચારીઓ કોલોનીમાં ગયા હતા. જોકે 15 રહેવાસીનાં વીજ જોડાણ કપાયા ત્યાં સુધી મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થવાનો ડર હોવાથી આખરી કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી.

80 ટકા રહેવાસીઓ સુધરી ગયા
આ પછી લગભગ 80 ટકા રહેવાસીઓએ નિયમિત રીતે તેમનાં બિલો ભરવું શરૂ કર્યું છે, જ્યારે લગભગ 700 ગ્રાહકો (કુલ ગ્રાહકમાંથી 20 ટકા)એ વીજ બિલની ચુકવણીઓ નહીં કરવાનું ચાલુ રાખ્યું છે. આવા ગ્રાહકો દ્વારા વીજ બિલો નહીં ચૂકવાતાં અન્ય વીજ બિલ ભરનાર પર બોજ આવે છે. આથી વીજ બિલ ચૂકવનારના હિતનું રક્ષણ કરવા એઈએમએલ વીજ ધારા 2013ની કલમ 56 (1) હેઠળ ડિફોલ્ટરોનો વીજ પુરવઠો બંધ કરી શકે છે.

નોટિસોનો પણ કોઈ જવાબ નહીં
અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિ.ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે જૂન 2019થી વીજ બિલો નહીં ભરે તેવા જ ગ્રાહકો સામે વીજ જોડાણ કાપવાનું શરૂ કર્યું હતું. એઈએમએલે આ ગ્રાહકોને ઘણી બધી નોટિસો આપી હતી. આમ છતાં તેમના દ્વારા ચુકવણી નહીં કરાતી હોવાથી અન્ય વીજ બિલ નિયમિત રીતે ચૂકવા ગ્રાહકો પર અયોગ્ય રીતે ટેરિફનો બોજ આવી પડે છે. આથી અમને આવા ડિફોલ્ટર ગ્રાહકોનાં વીજ જોડાણ કાપવા માટે ફરજ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...