તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાપાલિકાનો મહત્ત્વપૂર્ણ સેરો સર્વે:મુંબઈમાં 51.18 ટકાથી વધુ નાના બાળકોમાં એન્ટીબોડીઝ મળી આવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10થી 14 વયજૂથના 53.43 ટકા બાળકોમાં એન્ટીબોડીઝ, બીજી લહેરમાં 18થી ઓછા બાળકો વાઈરસના સાંનિધ્યમાં

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વર્તાવવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસમાં ત્રીજી લહેર ત્રાટકવાનો અંદાજ છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં નાના બાળકોને વધુ અસર થવાનો ભય સેવાઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાપાલિકાએ હમણાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન તેના ભાગરૂપે મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ત્રીજા સેરો સર્વેમાં 50.18 ટકાથી વધુ બાળકોમાં એન્ટીબોડીઝ મળી આવ્યા છે. આથી મુંબઈગરા માટે આ દિલાસાજનક તારણ છે.

કોરોનાની ત્રીજી લહેરની પાર્શ્વભૂમિમાં મુંબઈના 24 વોર્ડમાં 1 એપ્રિલથી 15 જૂન, 2021 દરમિયાન 1થી 18 વયજૂથના બાળકોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થશે એવું દુનિયાભરના નિષ્ણાતો જણાવી રહ્યા હોવાથી આ સર્વે બાળકો પર વધુ કેન્દ્રિત હતો.

આ સર્વેમાં 24 વોર્ડમાંથી 2176 અજ્ઞાત લોહીના નમૂના અલગ અલગ મેડિકલ લેબોરેટરી થકી સંકલિત કરાયા હતા. તેમાં મહાપાલિકાએ પોતાની ચિકિત્સા તબીબી પ્રયોગશાળાની વિવિધ શાખા અને નાયર હોસ્પિટલના માધ્યમથી 1283 અને ખાનગી 2 મેડિકલ લેબોરેટરીમાંથી 893 લોહીના નમૂના સંકલિત કરાયા હતા. પ્રાથમિક તપાસ પછી તે સર્વ કસ્તુરબા હોસ્પિટલમાં સૂક્ષ્મજીવ નિદાન તબીબી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.

કયા વયજૂથમાં કેટલા ટકા
વયજૂથનો વિચાર કરતાં 1થી 4 વર્ષના જૂથમાં 51.04 ટકા, 5થી 9 વયજૂથમાં 47.33 ટકા, 10થી 14 વયજૂથમાં સૌથી વધુ 53.43 ટકા, 15થી 18 વયજૂથમાં 51.39 ટકા બાળકોમાં એન્ટીબોડીઝ મળી આવ્યા છે. 1-18 વયજૂથનો વિચાર કરતાં આ સરેરાશ 51.18 ટકા છે. ખાસ કરીને માર્ચ 2021માં કરેલા સર્વેમાં 18થી ઓછી ઉંમરના વયજૂથમાં 39.04 ટકા એન્ટીબોડીઝ મળી આવ્યા હતા, જેની તુલનામાં હવે એન્ટીબોડીઝ ધરાવતા બાળકોની ટકાવારી વધી છે. આનો બીજો અર્થ એવો થાય છે કે બીજી લહેરમાં જ 18થી ઓછા વયજૂથના બાળકો વાઈરસના સાંનિધ્યમાં આવ્યા હતા.

50 ટકા વાઈરસના સાંનિધ્યમાં આવ્યા
સંભવિત ત્રીજી લહેરમાં અલગ અલગ વયજૂથના બાળકો અને નવજાત બાળકોને કોવિડ-19ની બાધા થઈ શકે છે એવો તબીબી ક્ષેત્રમાંથી અંદાજ છે. જોકે આ સર્વેક્ષણમાં મળી આવેલું તથ્ય ધ્યાનમાં લેતાં લગભગ 50 ટકા નાના બાળકોને આ પૂર્વે જ કોવિડની બાધા થયાનું અથવા વાઈરસના સાંનિધ્યમાં આવ્યાનું અભ્યાસમાંથી સૂચિત થયું છે.

સર્વેમાં કોનો કોનો મહત્ત્વનો સહભાગ
નાયર હોસ્પિટલનાં માઈક્રોબાયોલોજી વિભાગનાં એચઓડી ડો. જયંથી શાસ્ત્રી, એસોસિયેટ પ્રોફેસર ડો. સાચી અગ્રવાલ, હાઉસ ઓફિસર ડો. ગાર્ગી કાકાણી, પેડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર ડો. સુરભિ રાઠીએ તપાસકર્તા તરીકે યોગદાન આપ્યું. મહાપાલિકા કમિશનર આઈ એસ ચહલ, પશ્ચિમ ઉપનગરના એડિશનલ કમિશનર સુરેશ કાકાણી, નાયરના ડીન ડો. રમેશ ભારમલ, કસ્તુરના ચેપી રોગ વિભાગના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ચંદ્રકાંત પવાર, નાયરના પેથોલોજીના એચઓડી ડો. કુસુમ જશનાની, એસોસિયેટ પ્રોફેસર ડો. ગાયત્રી આમોનકરનું માર્ગદર્શન લાભ્યું હતું.

અત્યંત મહત્ત્વપૂર્ણ સર્વે
દરમિયાન પ્રથમ લહેરમાં ઝૂંપડપટ્ટીવાસીઓમાં એન્ટીબોડીઝનું પ્રમાણ વધુ મળી આવ્યું હતું, જ્યારે ઈમારતના રહેવાસીઓમાં ઓછું પ્રમાણ જોવા મળ્યું હતું. બીજી લહેરમાં ઝૂંપડપટ્ટીઓમાં ઓછું અને ઈમારતના રહેવાસીઓમાં પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જોકે બાળકો પરનું આ સર્વેક્ષણ મહત્ત્વપૂર્ણ ઠરવાનું છે.

દરમિયાન ત્રીજી લહેરને પહોંચી વળવા માટે મહાપાલિકા દ્વારા મલાડ, મહાલક્ષ્મી, સોમૈયા ગ્રાઉન્ડ, નેસ્કો સેન્ટર, કાંજુરમાર્ગમાં નવાં કોવિડ સેન્ટરો ઊભાં કરવામાં આવ્યાં છે. આ સિવાય વધુ સેન્ટર ઊભાં કરવાનું કામ ચાલુ છે. નવાં કોવિડ સેન્ટરોમાં 70 ટકા બેડ ઓક્સિજનયુક્ત રહેશે, જ્યારે તેમાં બાળકો માટે વિશેષ વોર્ડ રખાશે, એમ પશ્ચિમ ઉપનગરના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

સેરો સર્વે શું છે
સેરો સર્વેમાં નાગરિકોના જૂથનું બ્લેડ સિરમ પરીક્ષણ માટે લેવાય છે અને તે કોવિડના જિલ્લા સ્તરે પ્રવર્તમાન પ્રવાહોની દેખરેખ માટે ઉપયોગ કરાય છે. આ સર્વેથી સરકાર અને મહાપાલિકા કોવિડના પ્રવાહોની દેખરેખ રાખી શકે અને દેશના કોઈ પણ ભાગમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થતું નથી ને તેનું ધ્યાન રાખી શકે છે.

અન્ય સમાચારો પણ છે...