ડાયાબીટીસ વિશે જનતામાં જાગૃતિ પેદા થાય તે માટે દર વર્ષે 14 નવેમ્બરે વૈશ્વિક ડાયાબીટીસ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનું નિમિત્ત સાધી મહાપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે 8 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે વિવિધ સ્તરે કુલ 1336 ડાયાબીટીસ તપાસ શિબિરોનું આયોજન કર્યું હતું, જેમાં 1 લાખ નાગરિકોની તપાસ કરવાનું લક્ષ્ય પાર કરાયું હતું.
આ શિબિરોને નાગરિકો અને મહાપાલિકાના કર્મચારીઓએ ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો. 30 વર્ષથી વધુ ઉંમરના 1,08,684 નાગરિકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 9231 નાગરિકોને ડાયાબીટીસ હોવાનું નિદાન થયું હતું, જે કુલ તપાસ કરેલા નાગરિકોના 8 ટકા છે.
આ તપાસમાં 2415 નવા દર્દીઓ નિદાન થયા હતા, જે કુલ તપાસ કરેલાના 26 ટકા છે. ડાયાબીટીસનું નિદાન થયેલા નાગરિકોને તેમને અનુકૂળ મહાપાલિકા દવાખાનાં અથવા હોસ્પિટલમાં નિયમિત ઉપચાર લેવા બાબતે સૂચિત કરવામાં આવ્યું છે, એમ કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ જણાવ્યું હતું.
ડાયાબીટીસને દૂર રાખવા આ કરો : કુલ 1889 નાગરિકોને પૂર્વડાયાબીટીસ હોવાનું નિદાન થયું છે, જે કુલ તપાસ કરેલા નાગરિકોના 20 ટકા છે. આ બધાને આહાર અને જીવનશૈલીમાં બદલાવ વિશે કાઉન્સેલિંગ કરાયું છે અને નિયમિત તપાસ કરવા જણાવાયું છે. આ પરિણામો ધ્યાનમાં લેતાં વધુમાં વધુ નાગરિકોએ ડાયાબીટીસની તપાસ કરાવી લેવાનું જરૂરી છે. નિયમિત કસરત, નિયંત્રિત વજન, પોષક અને સંતુલિત આહાર, આહારમાં સાકર, તેલ અને મીઠાનું ઓછું પ્રમાણ, તણાવથી દૂર રહેવું, જીવનશૈલીમાં બદલાવ લાવવા જેવી બાબતો ધ્યાન રાખવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
બોર્ડર લાઈન પર હોય તો શું કરવું
ડાયાબીટીસ બોર્ડર લાઈન પર હોય તેઓ સમયસર ઉપચાર થકી ડાયાબીટીસ થવાનું પ્રમાણ અંકુશમાં રાખી શકે છે. આવા લોકોએ ડોક્ટરની સલાહથી લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રાખવાનું જરૂરી છે. આવું કરતાં ગૂંચ પેદા થવાનું ટળશે, એમ ઉપ કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. દક્ષા શાહે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.