કોરોના અપડેટ:મુંબઈમાં 35 ટકા ડેલ્ટા અને 2 ટકા ઓમિક્રોનના દર્દી નોંધાયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાએ કરેલી જિનોમ સિક્વેન્સિંગ ટેસ્ટના છઠ્ઠા રાઉન્ડનો નિષ્કર્ષ

વિશ્વનો શ્વાસ અદ્ધર કરનારા ઓમિક્રોને હવે દેશમાં ફેલાવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. દરમિયાન કોરોના વાઈરસની જિનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ ઓગસ્ટ 2021થી નિયમિત અને રાઉન્ડ મુજબ કરવામાં આવી રહી છે. મહાપાલિકા કમિશનર ડો. ઈકબાલસિંહ ચહલના નિર્દેશ અનુસાર અને અતિરિક્ત આયુક્ત (પશ્ચિમ ઉપનગર) સુરેશ કાકાણીના માર્ગદર્શન અનુસાર કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત છઠ્ઠા રાઉન્ડ દરમિયાન કરવામાં આવેલ ટેસ્ટના નિષ્કર્ષ અનુસાર 297 કોરોનાગ્રસ્ત દર્દીઓના નમૂનાઓની ટેસ્ટ કરવામાં આવી.

આ રાઉન્ડની ટેસ્ટમાં જુદી બાબત એટલે આ વખતે પહેલીવાર ખાનગી લેબોરેટરીના નમૂનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ 297 નમૂનાઓમાંથી 62 ટકા એટલે કે 183 નમૂના ડેલ્ટ ડેરિવેટિવ અને 35 ટકા એટલે કે 105 નમૂના ડેલ્ટા વેરિયેન્ટથી ગ્રસ્ત હોવાનું જણાયું છે. તેમ જ 2 ટકા એટલે કે 7 નમૂના ઓમિક્રોન અને બાકીના એક ટકા નમૂના બીજા વાઈરસથી ગ્રસ્ત હોવાનું જણાયું છે એવી માહિતી મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય ખાતા દ્વારા આપવામાં આવી હતી. કોવિડ વાઈરસની જિનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ કરવાથી એક જ વાઈરસની બે કે વધુ પ્રજાતિમાં ફરક ઓળખી શકાય છે.

જેનાથી એ મુજબ સારવાર કરવાનું સહેલું થાય છે. પરિણામે જે દર્દીઓને કોવિડનું સંક્રમણ થયું છે તેમના પર વધુ અસરકારક સારવાર કરવી શક્ય થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા છઠ્ઠા રાઉન્ડની ટેસ્ટના નિષ્કર્ષ વયજૂથ અનુસાર વિશ્લષણ કરતા 297માંથી 35 ટકા એટલે કે 103 દર્દી 21 થી 40 વર્ષની વયજૂથના છે. એ પછી 27 ટકા એટલે કે 80 દર્દી 41 થી 60 વર્ષની વયજૂથના છે. 23 ટકા એટલે કે 68 દર્દીઓ 61 થી 80 વર્ષની વયજૂથના છે. આ જ નિષ્કર્ષનું કોવિડ પ્રતિબંધાત્મક રસીકરણના આધારે વિશ્લેષણ કરતા 297માંથી 19 દર્દીઓએ રસીનો પહેલો ડોઝ લીધો છે.

એમાંથી 3 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જોકે એમાંથી કોઈને ઓક્સિજનની જરૂર ન વર્તાઈ અથવા આઈસીયુમાં દાખલ કરવા પડ્યા નહોતા. રસીના બે ડોઝ લીધેલા 194 દર્દીઓમાંથી 33 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એમાંથી એક દર્દીને ઓક્સિજનની જરૂર પડી તો બીજા એક દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડ્યો. કુલ દર્દીઓમાંથી 84 દર્દીઓએ કોરોના પ્રતિબંધાત્મક રસીનો એક પણ ડોઝ લીધો નહોતો. એમાંથી 22 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. 2 દર્દીને ઓક્સિજનની જરૂર વર્તાઈ અને 2 દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા.

ઉપાયયોજનાની ચુસ્તતાથી અમલબજાવણી
દરમિયાન વિવિધ ઉપ પ્રકારના કોવિડ વાઈરસનું થતું સંક્રમણ ધ્યાનમાં લેતા કોવિડ-19 વાઈરસના પ્રતિબંધાત્મક નિર્દેશોનું ચુસ્તતાથી દરેક જણે પોતાના સ્તરે પાલન કરવું જરૂરી છે. એમાં મુખ્યત્વે માસ્કનો યોગ્ય ઉપયોગ, બે અથવા વધુ વ્યક્તિ વચ્ચે સુરક્ષિત અંતર રાખવું, નિયમિત અને યોગ્ય રીતે સાબુથી હાથ ધોવા, ગિરદીમાં જવું ટાળવું જેવી ઉપાયયોજનાઓનું દરેક જણે પાલન કરવું એવી હાકલ મુંબઈ મહાપાલિકા તરફથી સતત કરવામાં આવે છે. બધા મુંબઈગરાઓએ આ ઉપાયયોજનાનું ચુસ્તતા અને સખતાઈથી અમલબજાવણી કરવી એવી હાકલ કાકાણીએ આ નિમિતે ફરીથી મહાપાલિકા પ્રશાસન તરફથી કરી છે.

અન્ય સમાચારો પણ છે...