તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:માહિમમાં સગીર બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવનારો તસ્કર ઝડપાયો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NCBએ એક ડઝનથી વધુ બાળકોનું અને સ્થાનિકોનું કાઉન્સેલિંગ કરીને આડઅસર વિશે સમજાવ્યું

મુંબઈને ડ્રગમુક્ત કરવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ હેડ સમીર વાનખેડે અને ટીમે કાર્યવાહી ચાલુ જ રાખી છે. જોકે શનિવારે મોડી રાત્રે એક અનોખી કાર્યવાહીમાં માહિમમાં સગીર બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવતા તસ્કરને ઝડપી લીધો હતો. આ સાથે ડ્રગને રવાડે ચઢેલા એક ડઝનથી વધુ બાળકો અને સ્થાનિક રહેવાસીઓને ડ્રગનાં માઠાં પરિણામો વિશે કાઉન્સેલિંગ પણ કર્યું હતું.

ખાસ વાત એ છે કે માહિમ પશ્ચિમમાં ડ્રગની હેરાફેરી અને સેવનનું પ્રમાણ મોટે પાયે વધ્યું છે એવી સ્થાનિક રહેવાસીઓએ જ એનસીબીને ઘણી બધી ફરિયાદો કરી હતી. આ પછી એનસીબી દ્વારા આ વિસ્તારમાં બારીકાઈથી નજર રાખવામાં આવી હતી. આ વિસ્તારમાં ડ્રગ વેચનારો સ્થાપિત થતાં જ શનિવારે મોડી રાત્રે માહિમ બીચ વિસ્તારમાંથી વાસીમ મહંમદ શમીન નાગોરને ઝડપી લેવાયો હતો.

આ તસ્કર પાસેથી 101 ગ્રામ હશિશ નામે માદક પદાર્થ મળી આવ્યો હતો, જે બજારમાં એક ગ્રામ દીઠ રૂ. 3000થી રૂ. 8000 સુધી પણ વેચાય છે. આ સ્થળે લગભગ 15-20 સગીર બાળકો પણ ડ્રગનું સેવન કરતા મળી આવ્યા હતા. આ બધા બાળકોને ડ્રગ સેવનની આડઅસરો વિશે કાઉન્સેલિંગ કરાયું હતું. તેમના વાલીઓને બોલાવીને સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પછી બાળકોને છોડી મુકાયા હતા. ઉપરાંત સ્થાનિકોને પણ ડ્રગની આડઅસરો વિશે અને તસ્કરો પર નજર રાખવા સમજાવવામાં આવ્યા હતા, એમ સમીર વાનખેડેએ જણાવ્યું હતું.નાગોરની વધુ તપાસમાં એવું જાણવા મળ્યું કે આ વિસ્તારમાં ઘણા બધા બાળકોને તેણે ડ્રગના બંધાણી બનાવી દીધા હતા. તે ડ્રગ ક્યાંથી લાવતો હતો અને હજુ ક્યાં ક્યાં વેચતો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.

સુફરાન કેસમાં રીઢા તસ્કરની પૂછપરછ
દરમિયાન તાજેતરમાં એનસીબી દ્વારા બોલીવૂડ સહિત અનેક હસ્તીઓને ડ્રગ સપ્લાય કરતા સુફરાન લાકડાવાલાની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં કુખ્યાત ડ્રગ તસ્કર અબુ અસલમ આઝમીને એનસીબી ગોવા યુનિટ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ તસ્કર એક રાજકીય પક્ષના નેતાનો નિકટવર્તી હોવાનું કહેવાય છે. 8મી જુલાઈએ એનસીબીએ સુફરાન લાકડાવાલાની ડ્રગના કેસમાં મીરા રોડમાંથી ધરપકડ કરવામાં આવી હતી, સુફરાન બોલીવૂડ અને મુંબઇના કેટલીક મોટી હસ્તીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું કહેવાય છે.

લાકડાવાલાની પૂછપરછ દરમિયાન આઝમીનું નામ બહાર આવ્યું હતું, ત્યાર બાદ તેને એનસીબીની ગોવા ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આઝમીને ડ્રગના એક કેસમાં વર્ષ 2018માં દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...