એક પછી એક આવતી ગરમીની લહેરના કારણે આ વર્ષે માર્ચ અને એપ્રિલના બે મહિનામાં રાજ્યમાં 25 જણ લૂ લાગવાથી મૃત્યુ પામ્યા છે. 374 જણને લૂના કારણે ત્રાસ થયો. મૃતકોની સંખ્યા છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે છે. એમાંથી સૌથી વધારે એટલે કે લગભગ 44 ટકા મૃત્યુ નાગપુરમાં થયા છે. આ વર્ષે એપ્રિલમાં ત્રીજી વખત ગરમીની લહેર આવી છે.
વિદર્ભમાં અકોલા, બ્રહ્મપુરી વગેરે ભાગમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયશ કરતા વધારે નોંધાયું છે. પરિણામે વિદર્ભમાં ગરમીથી નાગરિકો હેરાન છે. છેલ્લા થોડા વર્ષની સરખામણીએ આ વખતનો ઉનાળો સખત હોવાથી લૂ લાગનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. બે મહિનામાં રાજ્યમાં લૂના કારણે 25 જણના મૃત્યુ થયા છે.
એમાં સૌથી વધુ 11 જણના મૃત્યુ નાગપુરમાં થયા છે. એ પછીના ક્રમે જલગાવમાં 4, અકોલામાં 3, જાલનામાં 2 તથા અમરાવતી, ઔરંગાબાદ, હિંગોલી, ઉસ્માનાબાદ અને પરભણીમાં દરેકમાં 1 જણનું મૃત્યુ થયું છે. લૂના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા બે મહિનામાં 374 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.
એમાં સૌથી વધારે 295 દર્દી નાગપુરમાં અને 32 દર્દી અકોલાના છે. વિદર્ભ સહિત મરાઠવાડા અને ઉતર મહારાષ્ટ્રમાં પણ સખત ગરમી છે. મોટા ભાગના ઠેકાણે તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયશ છે. તેથી લૂના દર્દીઓનું પ્રમાણ સરખામણીએ વધારે છે. નાશિક વિભાગમાં 14, ઔરંગાબાદમાં 11 અને લાતુર વિભાગમાં 1 દર્દીને લૂ લાગ્યાનું નોંધાયું છે.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ ગુરુતમ તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયશ સુધી છે. પુણે વિભાગમાં 20 દર્દીઓને, કોલ્હાપુર વિભાગમાં 1 દર્દીને લૂ લાગ્યાની નોંધ થઈ છે. 2015થી પહેલી વખત લૂના કારણે આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. આગામી થોડો સમય ગરમીની લહેર હશે એટલે ધ્યાન રાખવું પડશે એવો ઈશારો રાજ્યના તાવ સર્વેક્ષણ વિભાગના પ્રમુખ ડો. પ્રદીપ આવટેએ આપ્યો છે.
એપ્રિલમાં વધુ મૃત્યુ
માર્ચથી 8 એપ્રિલ સુધી રાજ્યમાં લૂના કારણે થયેલા મૃત્યુની સંખ્યા 8 હતી. એ પછી આ આંકડો 25 થયો. આ પહેલાં 2016માં સૌથી વધુ એટલે કે 16 દર્દીના લૂના કારણે મૃત્યુ થયા હતા. એ પછી દર વર્ષે સંખ્યા ઓછી થતી રહી. ખાસ વાત એટલે કોરોના મહામારી ચાલુ હતી એ સમયે એટલે કે 2020 અને 2021માં લૂના કારણ એક પણ મૃત્યુ થયું નહોતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.