યુવકો સામે મોટી સમસ્યા:મહારાષ્ટ્રના દાંડીચી બારી ગામમાં પુરુષોના લગ્ન જ થતા નથી, લગ્ન થાય તો થોડા દિવસમાં પત્ની છોડીને જતી રહે છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં એક ગામ એવું છે જ્યાં યુવકોના લગ્ન જ થતા નથી. જો લગ્ન થાય તો થોડા જ દિવસમાં પત્ની છોડીને જતી રહે છે. આવી અનેક ઘટના બની છે. એનું કારણ પણ આઘાતજનક છે. નાશિકથી લગભગ 90 કિલોમીટરના અંતરે સુરગના તાલુકો છે. આ તાલુકામાં દાંડીચી બારી નામનું ગામ છે. સંપૂર્ણ ગામનો વિચાર કરીયે તો ત્યાં 300 જણ રહે છે. સુખી લગ્નજીવન અહીંના યુવકો માટે એક સ્વપ્ન છે કારણ કે આ ગામના છોકરાને કોઈ છોકરી આપતું નથી. જો લગ્ન થાય તો થોડા જ દિવસમાં પત્ની તરછોડીને જતી રહે છે. એનું કારણ છે આ પરિસરમાં પાણીની તીવ્ર અછત છે.

આ ગામમાં એક હાંડલો પાણી માટે મહિલાઓએ અનેક કિલોમીટર પગપાળા જઈને સૂકા સ્ત્રોતમાંથી પાણી લાવવું પડે છે. પાણીની આ તીવ્ર અછતના કારણે ગામના યુવકો સામે મોટી સમસ્યા છે. પાણીની તીવ્ર અછતના કારણે ગામની મહિલાઓને અને છોકરીઓને ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે. દર વર્ષે ઉનાળામાં ટેકરીના તળિયે આવેલા સૂકા સ્ત્રોતમાંથી પાણી લાવવા માટે માર્ચથી જૂન મહિનામાં દોઢ કિલોમીટર ચાલવું પડે છે.

ખડકાળ ભાગમાં પગે ચાલતા પાણીના સ્ત્રોત સુધી પહોંચ્યા બાદ પણ તકલીફ પૂરી થતી નથી. ખડકના પોલા ભાગમાંથી પાણી ભરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. પોતાનો વારો આવે ત્યારે મહિલા અંદર જાય છે અને થોડું થોડું પાણી કાઢે છે અને વાસણમાં ભરે છે. પોલાણમાં રહેલું પાણી ખતમ થઈ જાય એટલે મહિલાઓએ ફરીથી કલાકો સુધી રાહ જોવી પડે છે. દરેક મહિલા પાસે પાણી ભરવા બે વાસણ હોય છે.

અનેક લોકોએ આ સમસ્યાથી ગામ છોડ્યું
આ વર્ષે તો સખત ગરમી છે. સૂરજ જાણે આગ ઓકી રહ્યો છે. આવા સમયે આ મહિલાઓ પોતાનો જીવ જોખમમાં નાખીને પાણી ભરી લાવવાનું કામ કરે છે. આ વર્ષે તાપમાન જોઈએ તો અહીં લગભગ 40 ડિગ્રી સેલ્સિયશ છે. પાણીની અછતના કારણે ગામના યુવકોને કોઈ છોકરી આપતું નથી. તેથી અનેક જણે ગામ છોડ્યું છે. અહીંના કુટુંબ પાણીની સમસ્યાથી હેરાન છે. આ ગામની પાણીની સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે એની લોકો રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...