ભાસ્કર વિશેષ:બોરીવલી નેશનલ પાર્ક, રાણીબાગમાં નજીકના સમયાં મુંબઈગરાઓ સિંહ દર્શન નહીં કરી શકે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણીબાગમાં સિંહ લાવવાની પ્રક્રિયા અટકેલી છે તો નેશનલ પાર્કના સિંહ વૃદ્ધ થયા

ભાયખલાના રાણીબાગમાં સિંહ લાવવાની પ્રક્રિયા વિવિધ કારણોસર હજી અટકેલી છે ત્યારે બોરીવલીના નેશનલ પાર્કના સિંહ પણ વૃદ્ધ થયા છે. આ સિંહોની હિલચાલ પર ઉંમરના કારણે મર્યાદા આવી હોવાથી નજીકના સમયમાં મુંબઈગરાઓ માટે સિંહના દર્શન કરવા મુશ્કેલ છે.

અત્યારે નેશનલ પાર્કમાં 11 વર્ષનો જસ્પા અને 18 વર્ષનો રવિન્દ્ર એમ બે સિંહ છે. સિંહનું કુદરતી નિવાસમાં આયખુ 15 વર્ષ અને માનવનિર્મિત નિવાસમાં 18 થી 22 વર્ષ હોય છે. રવિન્દ્રએ કુદરતી જીવન પૂરું કર્યું છે. તેમ જ માનવનિર્મિત નિવાસમાં જીવનની ગુરુતમ સમયમર્યાદા ઓળંગી છે. તેથી સફારીમાં ફરવાની એનામાં તાકાત રહી નથી. જસ્પા પાસે કુદરતી જીવનના ત્રણચાર વર્ષ બાકી છે.

આ સિંહની વધતી ઉંમરનો અંદાજ લઈને નેશનલ પાર્ક પ્રશાસને તેલંગણા, કર્ણાટક, ગુજરાત ખાતેના પ્રાણીસંગ્રહાલય પાસે સિંહની બે જોડીની માગણી કરી હતી. પણ એને પ્રતિસાદ મળ્યો નથી. એમાં પાર્કના લાયન સફારીનું વિસ્તરણ રખડી પડવાથી પ્રશાસને એ બાબતે પગલાં ભર્યા નથી. પરિણામે નવા જોમવાળા સિંહ નેશનલ પાર્કમાં દાખલ થાય એવી શક્યતા ઝાંખી પડી છે.

ભાયખલા ખાતેના રાણીબાગે થોડા મહિના પહેલાં સક્કરબાગ અને ઈંદોરના પ્રાણીસંગ્રહાલય પાસે સિંહની માગણી કરી છે. આ પ્રાણીસંગ્રહાલયની માગણી અનુસાર ઝેબ્રાની જોડી લાવીને ઈંદોર પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવશે. એ પછી તેમની પાસેથી સિંહ રાણીબાગને સુપ્રત કરવામાં આવશે એમ રાણીબાગના સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું.

એક સમયે નેશનલ પાર્કમાં 50 સિંહ હતા
લગભગ 25 વર્ષ પહેલાં નેશનલ પાર્કમાં 50 સિંહ હતા. કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણની સૂચના અનુસાર ઘણા સિંહ દેશના વિવિધ પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવ્યા. જે સિંહ નેશનલ પાર્કમાં રહ્યા તેમની નસબંધી કરવામાં આવી હોવાથી સિંહની સંખ્યા ન વધી. ઉપરાંત આયખુ પૂરું થવાથી કેટલાક સિંહનું મૃત્યુ થયું અને આમ સિંહની સંખ્યા ઓછી થતી રહી.

અન્ય સમાચારો પણ છે...