ભાજપ દ્વારા વધુ એક પોલખોલ:બાંદરામાં મંત્રીએ 1 એકર જગ્યા બિલ્ડરને ઓછા ભાવે વેચી મારી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હિંદુત્વ, લાઉડસ્પીકર, ભ્રષ્ટાચારના મુદ્દાઓ ગાજી રહ્યા છે. ખાસ કરીને ભાજપ દ્વારા સત્તાધારીઓને ઘેરવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી એવું દેખાઈ રહ્યું છે. આના જ ભાગરૂપે હવે ભાજપે વધુ એક પોલખોલ કરી છે.

બાંદરામાં રાજ્ય સરકારની એકર એકર જગ્યા બિલ્ડરને ઓછા ભાવે વેચી મારવામાં આવી છે. સરકારમાંના કયા મંત્રીની બિલ્ડર સાથે સાઠગાંઠ છે તે બહાર આવવું જોઈએ, એમ ભાજપના નેતા વિધાનસભ્ય આશિષ શેલારે ગુરુવારે આરોપ કરતાં જણાવ્યું હતું.વાસ્તવિક અલ્પસંખ્યાક સમાજના દર્દીઓ માટેની આ જગ્યા સંસ્થાને આપવામાં આવી હતી.

જોકે સમયાંતરે આ જગ્યા બિલ્ડરને હવાલે કરવામાં આવી છે. આ સર્વ પ્રકરણમાં ખર્ચનો અંદાજ કાઢવામાં આવતાં એવું બહાર આવ્યું છે કે બિલ્ડરને રૂ. 1300 કરોડનો નફો થવાનો છે. રુસ્તમજી નામે બિલ્ડરને આ નફો કરાવવામાં આવ્યો છે. આ જગ્યા ફક્ત રૂ. 234 કરોડમાં વેચવા માટે બધી પરવાનગીઓ આપવામાં આવી છે, એવો આરોપ તેમણે કર્યો છે.

આ પ્રકરણમાં બિલ્ડરને ફાયદો મેળવી આપનારી મહાવિકાસ આઘાડી સરકારમાં કયો મંત્રી છે તે બહાર આવવું જોઈએ. ગરીબ દર્દીઓને આરામ માટે 12,000 ચોરસફૂટ જગ્યા અને બિલ્ડરને 1 લાખ 90 હજાર ચોરસફૂટ જગ્યા પણ સંપૂર્ણ માલિકી સાથે આપવામાં આવી છે, એમ શેલારે જણાવ્યું હતું.

રાજ્ય સરકારને ફાયદો
આ આખી જગ્યા મહારાષ્ટ્ર રાજ્ય સરકારની માલિકીની છે અને આ વિસ્તારમાં જગ્યાના ભાગ આસમાનને આંબી રહ્યા છે. આવા વિસ્તારમાં જગ્યા ભાડાકરાર પૂર્ણ થયા પછી રાજ્ય સરકારને મળવાની હતી. જોકે તેને બદલે આ જગ્યા બિલ્ડરને વેચી મારવામાં આવી છે. આ જગ્યા સરકારના કબજામાં આવી હોત તો સરકારને ફાયદો થયો હોત, એવો દાવો પણ શેલારે કર્યો છે.

ચૂંટણી નજીક આવતાં આરોપ વધ્યા
દરમિયાન મહાપાલિકાની ચૂંટણી નજીક આવતાં ભાજપ આક્રમક બન્યો છે અને એક પછી એક મામલાઓ બહાર કાઢી રહ્યો છે. એશિયાની સૌથી મોટી અને એક નાના રાજ્ય જેટલું બજેટ ધરાવતી મુંબઈ મહાપાલિકા છેલ્લાં અનેક વર્ષથી શિવસેનાના કબજામાં છે. વિધાનસભામાં 105 બેઠકો મળવા છતાં શિવસેનાએ રાષ્ટ્રવાદી અને કોંગ્રેસને પડખે લઈને સત્તા સ્થાપ્યા પછી ભાજપ મહાપાલિકા છીનવી લેવા માટે અધીરો બન્યો છે. આથી એક પછી એક કૌભાંડ બહાર કાઢી રહ્યો છે. જોકે મતદારો પર તેની કેટલી અસર થશે તે તો ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...