રેલ લાઇનનો વિકાસ:2022માં મધ્ય રેલવેનો પ્રવાસ રાહતદાયક બનશે

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાણે-દિવા પાંચમી અને છઠ્ઠી લાઈનને મેલ-એક્સપ્રેસ માટે ખુલ્લી કરવાનું મૂરત

મધ્ય રેલવેના લાખો પ્રવાસીઓનો દરરોજનો લોકલ પ્રવાસ નવા વર્ષ 2022માં રાહતદાયક થશે. થાણે-દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનને મેલ-એક્સપ્રેસ માટે ખુલ્લી કરવા નવા વર્ષનું મૂરત નક્કી થયું છે. એના લીધે ત્રીજી અને ચોથી લાઈન ફક્ત લોકલ માટે ચાલુ રહેશે. આ લાઈન ઉપલબ્ધ થયા પછી લોકલની 80 થી 100 ફેરીઓ વધારી શકાશે.

મધ્ય રેલવેમાં લોકલની ફેરીઓ વધારવા માટે મુખ્ય અડચણ એટલે થાણે-દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઈન હતી જે વર્ષોથી ઉપલબ્ધ થતી નહોતી. તેથી વધુ ફેરીઓ ચલાવવી શક્ય ન હોવાનું મધ્ય રેલવે તરફથી વારંવાર જણાવવામાં આવતું હતું. આ અડચણ હવે કાયમ માટે દૂર થશે.

નવા રેલવે માર્ગને જૂના રેલવે પાટા સાથે જોડવાનું અને યાર્ડ જોડવાનું કામ અત્યાર બાકી છે. થાણે અને દિવા બંને ઠેકાણે જોડાણ કરવું પડશે. ટેકનિકલ કામ ભૂલ વિના પૂરું થાય એ માટે અનુભવી વરિષ્ઠ અધિકારીઓને વધુ કુમક તૈનાત કરવામાં આવી છે એમ મુંબઈ રેલવે વિકાસ મહામંડળના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.

થાણે-દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઈન નવા વર્ષના મહુર્તે અર્થાત જાન્યુઆરી 2022માં ખુલ્લી કરવામાં આવશે. ટેકનિકલ કામ સિવાય બીજા કામ પૂરા થવાથી પ્રવાસીઓ માટે નવા વર્ષમાં પ્રવાસ કરવો રાહતદાયક થશે એમ મુંબઈ રેલવે વિકાસ મહામંડળના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક રવિ અગ્રવાલે જણાવ્યું હતું.

પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લેતા ફેરીઓ વધારાશે : એમઆરવીસી તરફથી પ્રકલ્પનું કામ પૂરું કરવામાં આવશે. જોકે લોકલની કેટલી ફેરીઓ વધશે, એ સાદી હશે કે એસી, એનો નિર્મય મધ્ય રેલવેએ કરવાનો છે એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. જાન્યુઆરીમાં પ્રકલ્પ પૂરો થયા બાદ તબક્કાવાર લોકલની ફેરીઓ વધારવામાં આવશે. નોન-એસી એક લોકલની લગભગ 10 થી 12 ફેરી થાય છે. તેથી એક સાથે ફેરીઓ વધારવાના બદલે પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લેતા જરૂરી ઠેકાણે વધારાની લોકલ ચલાવવામાં આવશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...