ખરીદી-વેચાણ વ્યવહારમાં ઉછાળો:2021માં મુંબઈમાં એક લાખ કરતા વધારે ઘરનું વેચાણ થયું

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2020 કરતા ખરીદી-વેચાણ વ્યવહારમાં 70 ટકાનો ઉછાળો નોંધાયો

2021માં મુંબઈ મહાપાલિકાની હદમાં માલમત્તા ખરીદી અને વેચાણ વ્યવહારમાં મોટો વધારો થયો છે. 2021માં મુંબઈમાં 1 લાખ 11 હજાર 552 ખરીદી-વેચાણ વ્યવહારની નોંધ થઈ છે. 2020ની સરખામણીએ આ વધારો ઘણો મોટો છે એમ નાઈટ ફ્રેન્કે જણાવ્યું છે. નાઈટ ફ્રેન્ક દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કન્સ્લટન્સી કંપની છે. 2020ની સરખામણીએ મુંબઈમાં ખરીદી-વેચાણ વ્યવહારમાં 70 ટકા અને 2019ની સરખામણીએ 45 ટકાનો વધારો થયો છે.

ડિસેમ્બર 2021માં 9 હજાર 320 ખરીદી-વેચાણના વ્યવહાર થયા છે. આ પહેલાં 2018માં પણ મોટા પ્રમાણમાં ખરીદી-વેચાણના વ્યવહાર થયા હતા. 2018માં મુંબઈમાં 80 હજાર 746 પ્રોપર્ટીની ખરીદી-વેચાણના વ્યવહાર થયા હતા જે પાછલા થોડા વર્ષોમાં વધારે હતા. ડિસેમ્બરમાં થયેલા વ્યવહાર નવેમ્બરની સરખામણીએ 23 ટકા વધારે છે. ગયા વર્ષની સરખામણીએ માલમત્તા પર સ્ટેમ્પ ડ્યુટી પણ આ વર્ષે ઓછી હોવાથી ખરીદી-વેચાણમાં મોટો વધારો થયો છે. 2021માં ખરીદી-વેચાણમાં થયેલો વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.

ડિસેમ્બર મહિનામાં સૌથી ઝડપી ખરીદી-વેચાણ વ્યવહાર થયા છે. છેલ્લા પાંચ મહિનાનો વિચાર કરીયે તો ડિસેમ્બરમાં માલમત્તા ખરીદી-વેચાણની નોંધ વધુ થયાની માહિતી નાઈટ ફ્રેન્ક ઈંડિયાએ આપી છે. રાજ્ય પર કોરોનાનું સંકટ છે. મુંબઈમાં પણ ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છતાં ખરીદી-વેચાણના વ્યવહારમાં વધારો થયાનું દેખાય છે. ડિસેમ્બર 2021 મહિનાનો વિચાર કરીયે તો પહેલા વીસ દિવસમાં દરરોજ 293 ખરીદી-વેચાણ વ્યવહારની નોંધ થઈ છે. જોકે એ પછીના અગિયાર દિવસમાં દરરોજ સરેરાશ 314 નોંધ થઈ છે.

ખરીદી-વેચાણના કેટલા વ્યવહાર થયા?
2013માં 64 હજાર 242, 2014માં 63 હજાર 636, 2015માં 67 હજાર 400, 2016માં 63 હજાર 255, 2017માં 68 હજાર 659, 2018માં 80 હજાર 746, 2019માં 67 હજાર 863, 2020માં 65 હજાર 633 અને 2021માં 1 લાખ 11 હજાર 552 ખરીદી-વેચાણના વ્યવહાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...