પ્રાણીપ્રેમીઓ દ્વારા તપાસની માગણી:રાણીબાગમાં 1 વર્ષમાં 30 કાચબાનાં મોત તેમજ 14 હરણનાં પણ મોત થયા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાયખલાના વીર માતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન (રાણીબાગ)માં એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ દરમિયાન એક વર્ષમાં ૩૦ તાજાં પાણીના કાચબા, વિવિધ જાતિનાં ૧૪ હરણનાં મોત થયાં છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા તપાસમાં આ મામલો બહાર આવ્યો હતો. જોકે રાણીબાગના ડાયરેક્ટર ડો. સંજય ત્રિપાટીએ એક હરણ સિવાયનાં બધાં પ્રાણીઓનું નૈસર્ગિક કારણથી મૃત્યુ થયું હોવાનો દાવો કર્યો છે. ચળવળકર્તા ગોડફ્રે પિમેન્ટાએ જણાવ્યું કે પ્રશાસન ફક્ત હમ્બોલ્ટ પેન્ગ્વિન તરફ જ ધ્યાન આપે છે. એક જાતિના ત્રીસ કાચબાનાં મૃત્યુ એ અસાધારણ રીતે ઉચ્ચ સંખ્યા છે. તેની તપાસ થવી જોઈએ.

ડો. ત્રિપાઠી કહે છે કે તાજાં પાણીનાં કાચબાની ઉંમર લગભગ ૪૦-૫૦ વર્ષની હતી અને ફેફસું, કિડની અથવા શ્વાસમાં તકલીફ સહિત અલગ અલગ કારણોસર તેમનાં મોત થયાં છે. આ કાચબા અગાઉ જૂના તળાવમાં રખાયા હતા. તાજેતરમાં નવું તળાવ તૈયાર કરીને પછી તેમને તેમાં ખસેડાયા હતા. હજુ આશરે ૧૨-૧૩ વયોવૃદ્ધ કાચબા છે અને પ્રજનન પણ કરી રહ્યા, જેમના થકી ૮-૧૦ બચ્ચાંનો જન્મ થયો છે. રાણીબાગમાં હાલમાં સંબાર હરણની ફક્ત એક જોડી બચી છે, જ્યારે ૨૦ ભસતા હરણ અને ૨૫-૩૦ ટપકાવાળા હરણ છે.

સ્વેમ્પ હરણમાં નર- માદા જોડીને એક જ પાંજરામાં એકત્ર રખાયાં હતાં. નર યુવાન હતો. એક રાત્રે બંને વચ્ચે તીવ્ર લડાઈ થઈ હતી, જેમાં માદાને ઈજાઓ પહોંચીને મૃત્યુ થયું હતું. નિસર્ગપ્રેમી શાર્દુલ બાજીકરે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં કાચબાનું મૃત્યુ એ સાધારણ વાત નથી. ઘણા બધા કાચબા ફેફસું, કિડની અથવા શ્વાસની તકલીફથી મૃત્યુ પામે તે એવો સંકેત આપે છે કે રોગ ફાટી નીકળ્યો છે. ફેફસું નિષ્ફળ જવા માટે પ્રદૂષણ, વાઈરલ ચેપ અથવા અમુક ઝેરીપણું જવાબદાર હોઈ શકે છે. યોગ્ય તપાસ હાથ ધરી જોઈએ. સ્વેમ્પ હરણ દુર્લભ જનાવર છે. નરે આક્રમક થઈને હુમલો કર્યો એ વાત માનવામાં આવે એમ નથી. આવાં દુર્લભ પ્રાણીઓ પર બહુ બારીકાઈથી ધ્યાન રાખવાની જરૂર છે.

ડો. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અમે મૃત પ્રાણીઓનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને મૃત્યુના કારણની નોંધ રાખી છે. ઘણાં બધાં હરણ ૧૫-૧૮ વયવર્ષનાં અને બહુ વૃદ્ધ છે. અમે લખનૌ ઝૂ પાસેથી બે નર અને ત્રણ માદા સ્વેમ્પ ડિયર મગાવ્યા છે. દેશમાં બહુ ઓછાં ઝૂ પાસે આ જાતિઓ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...