તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદે બાંધકામો:કોરોનાકાળમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદેસર બાંધકામો ફૂટી નીકળ્યાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13,000 ફરિયાદો સામે 9500 ગેરકાયદે બાંધકામમાંથી માત્ર 466 જ તોડી પાડવામાં આવ્યા

લોકડાઉનના સમયમાં અને લોકડાઉન હળવો કર્યા પછી મુંબઈમાં ગેરકાયદે બાંધકામો જોરમાં ચાલુ છે. માર્ચ 2020થી ફેબ્રુઆરી 2021ના સમયગાળામાં મહાપાલિકા પાસે ગેરકાયદે બાંધકામોની 13,000 ફરિયાદો નોંધાઈ. એક વર્ષમાં કુલ 9500 ગેરકાયદે બાંધકામની નોંધ થઈ છે. એમાંથી ફક્ત 466 બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. એમાં મલાડ પી-ઉતર વોર્ડમાં 429 ફરિયાદો દાખલ થઈ છે. 342 ગેરકાયદે બાંધકામો પ્રકરણે ફક્ત 62 પ્રકરણમાં કાર્યવાહી થઈ છે. કોરોનાના સમયમાં મુંબઈમાં કેટલી ગેરકાયદે બાંધકામોની ફરિયાદ આવી, કેટલા પર કાર્યવાહી કરવામાં આવી એની વિગત માહિતી અધિકાર કાયદા કાર્યકર્તા શકીલ અહમદ શેખે મહાપાલિકા પાસેથી લીધી છે.

મહાપાલિકાએ આપેલા લેખિત જવાબમાં ઓનલાઈન સિસ્ટમમાં 25 માર્ચ 2020થી 28 ફેબ્રુઆરી 2021 સુધીની માહિતી આપવામાં આવી છે. લોકડાઉનના સમયમાં મહાપાલિકાના અતિક્રમણ નિર્મૂલન વિભાગ સહિત તમામ વિભાગના કર્મચારીઓ કોરોનાની ઉપાયયોજનાઓ સંબંધિત કામમાં વ્યસ્ત હતા. એનો ફાયદો ઉઠાવતા ભૂમાફિયાઓ, ઝૂપડપટ્ટીના દાદાઓએ મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કર્યા છે. એના પર કાર્યવાહી થતી ન હોવાથી નગરસેવકોની સ્થાયી સમિતિની બેઠકોમાં પ્રશાસનની વારંવાર ટીકા કરવામાં આવી છે.કોરોનાના સમયમાં મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ ઉપાયયોજનાઓમાં વ્યસ્ત હતા. એનો ફાયદો ઉઠાવતા ગેરકાયદે બાંધકામો થયાની ફરિયાદ વધી છે.

આ બાંધકામો પર કાર્યવાહીનો અધિકાર વોર્ડ કાર્યાલયને આપવામાં આવ્યો છે. 24 વોર્ડ માટે 24 પદનિર્દેશિત અધિકારીઓ નિમવામાં આવ્યા છે એમ મુંબઈ મહાપાલિકાના અતિક્રમણ નિર્મૂલન વિભાગના સહાયક આયુક્ત અનંત ભાગવતકરે જણાવ્યું હતું.

કુર્લા, ગોવંડી, માનખુર્દમાં વધુ ફરિયાદ
પૂર્વ ઉપનગરોમાં કુર્લા, ગોવંડી, માનખુર્દ ભાગોમાંથી ગેરકાયદે બાંધકામોની સૌથી વધુ એટલે કે 1200 થી 3250 ફરિયાદો મળી છે. કુર્લા પરિસરમાં સાકીનાકા ખાતે ખૈરાની રોડ ભાગમાં સૌથી વધારે ગેરકાયદે બાંધકામ છે. ફરસાણના કારખાના, ગેરકાયદે ગેરેજ, ગોદામોની સંખ્યા મોટી છે. આ ભાગમાં છેલ્લા બે વર્ષમાં મુંબઈમાં સૌથી વધુ આગની ઘટનાઓ બની છે. કાલબાદેવી, ભૂલેશ્વર, ચંદનવાડી પરિસરના સમાવેશવાળા સી વોર્ડમાંથી 614 ફરિયાદો મળી છે જેમાંથી ફક્ત 24 પ્રકરણોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

મલાડ માલવણીમાં 429 ફરિયાદ
તાજેતરમાં ઈમારત દુર્ઘટના થઈ એ મલાડ માલવણી ગેટ નંબર 8 પરિસરમાં તેમ જ નજીકના આંબોજવાડીમાં મોટી ઝૂપડપટ્ટી છે. ત્યાં ગેરકાયદે બાંધકામો ટપોટપ ફૂટી નીકળ્યા છે. ઘરની ઉપર ત્રણથી ચાર માળા ગેરકાયદે બાંધવામાં આવ્યા છે. મહાપાલિકાના પી ઉતર વોર્ડમાં આ પરિસર આવે છે. એક વર્ષમાં અહીં ગેરકાયદે બાંધકામોની 429 ફરિયાદો મળી છે જેમાંથી ફક્ત 62 પ્રકરણોમાં કાર્યવાહી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...