રસાકસી:મુંબઈમાં વિધાન પરિષદ માટે કોંગ્રેસ જો ઉમેદવાર ઊતારે તો રસાકસી થશે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં ભાજપ અને શિવસેનાના ઉમેદવારની જીત નિશ્ચિત મનાય છે, રાજકીય ગણિત અલગ છે

વિધાન પરિષદ માટે મુંબઈ મહાપાલિકા મતવિસ્તારમાંથી બે બેઠક માટે ચૂંટણી થઈ રહી છે. આ બેઠક માટે શિવસેના દ્વારા સુનીલ શિંદે અને ભાજપ દ્વારા રાજહંસ સિંહને ઉમેદવારી આપવામાં આવી છે. બંને પક્ષે ત્રીજો ઉમેદવાર આપ્યો નથી. આથી આ બે ઉમેદવારોમાં લડત રસાકસીભરી થશે કે જીત આસાન હશે એ અંગે તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. મહાપાલિકાનું રાજકીય ગણિત જોકે અલગ જ વાત કરે છે. મહાપાલિકા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા મતવિસ્તારમાંથી ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનીલ શિંદેને ઉમેદવારી આપવામાં આવી છે.

શિંદે શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય છે. તેઓ ભૂતપૂર્વ નગરસેવક પણ છે. ઉપરાંત બેસ્ટ સમિતિના અધ્યક્ષ પણ હતા. આગામી વર્ષે મહાપાલિકાની ચૂંટણી થઈ રહી છે તે જોતાં તેમને ઉમેદવારી આપવામાં આવવાથી શિવસેનાનું મહાપાલિકાની ચૂંટણીમાં બળ વધશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ભાજપને ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજહંસ સિંહને વિધાન પરિષદની ઉમેદાવીર આપી છે.

સિંહ અગાઉ કોંગ્રેસમાં હતા. તેઓ નગરસેવક પછી વિધાનસભ્ય બન્યા હતા. ભાજપમાં આવ્યા પછી વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. આ પછી તેઓ ભોંઠા પડી ગયા હતા. જોકે ભાજપે હવે તેમને ઉમેદવારી આપીને આગામી વર્ષે મહાપાલિકાની ચૂંટણીમાં ઉત્તર ભારતીય વોટ બેન્ક પોતાની તરફ કરવા પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.

આંકડાઓ શું કહે છે
મહાપાલિકામાં 227 નગરસેવક અને 5 નોમિનેટેડ નગરસેવક મળી 232 નગરસેવકો છે. તેમાંથી ત્રણ બેઠક ખાલી હોવાથી નગરસેવકોની સંખ્યા 229 છે. વિધાન પરિષદની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડ જીતવા માટે ઉમેદવારને કમસેકમ 77 મતનો ક્વોટા મેળવવાનું આવશ્યક હોય છે. શિવસેના પાસે હાલમાં 99 નગરસેવક મતદાર છે, જ્યારે ભાજપ પાસે 83 નગરસેવક મતદાર છે. ઉપરાંત કોંગ્રેસ, રાષ્ટ્રવાદી અને અન્યો પાસે 47 નગરસેવક મતદારો છે. આથી રાજહંસ અને શિંદેની જીત આસાન માનમાં આવે છે. જોકે કોંગ્રેસ ત્રીજો ઉમેદવાર આપે તો ચૂંટણી રસાકસીભરી થઈ શકે છે. ત્રીજો ઉમેદવાર મેદાનમાં ઊતરે તો મતોની ફોડાફોડી થવાની શક્યતા છે, એમ રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...