નિર્ણય:20 % ફ્લેટમાં પોઝિટિવ દર્દી મળે તો ઈમારતો સીલ કરાશે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ 7 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે

મુંબઈમાં કોરોનાના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહાપાલિકાએ ઈમારતને સીલ કરવાના પ્રોટોકોલમાં સુધારો કર્યો છે. નવા પરિપત્રક મુજબ, જો કોઈ ઈમારતની વિંગ, કોમ્પ્લેક્સ અથવા સોસાયટીના 20 ટકા ફ્લેટમાં કોરોનાના પોઝિટિવ દર્દી જોવા મળે તો સમગ્ર ઈમારતને સીલ કરી દેવામાં આવશે.

કોરોનાના ચેપની સાંકળ તોડવા માટે સીલ ઈમારતના નિયમમાં મહાપાલિકાએ સુધારો કર્યો છે. સોમવારે મોડી રાત્રે સુધારિત ગાઈડલાઈન બહાર પાડી હતી. કમિશનર આઈએસ ચહલે આ અંગે પરિપત્રક જારી કર્યો હતો, જે મુજબ, જો કોઈ ઈમારતની વિંગ, કોમ્પ્લેક્સ અથવા સોસાયટીના 20 ટકા ફ્લેટમાં કોરોનાના પોઝિટિવ દર્દી જોવા મળે તો સમગ્ર ઈમારતને સીલ કરી દેવામાં આવશે.

દર્દી અને તેના સંપર્કમાં આવનારા લોકોએ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોરોનાના દર્દીને 10 દિવસ માટે આઇઝોલેશનમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જ રીતે, ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ 7 દિવસ માટે ફરજિયાતપણે ક્વોરન્ટાઇન રહેવું પડશે. 5મા અને 7મા દિવસે તેમનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. સોસાયટીની મેનેજિંગ કમિટી ક્વોરન્ટાઇન પરિવાર માટે રેશન, દવાઓ અને અન્ય જરૂરી સામગ્રી પ્રદાન કરશે. ઈમારત સીલ કરવાની પ્રક્રિયા વોર્ડ કક્ષાથી કરવામાં આવશે. લોકોએ કોરોનાને લઈને મેડિકલ ઓફિસર અથવા વોર્ડ ઓફિસર દ્વારા જારી કરાયેલા પ્રોટોકોલ અને નિયંત્રણના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

માર્ચ 2021માં મહાપાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈન્સ મુજબ બે દર્દી હોય તો તે ઈમારતનો માળ સીલ કરવામાં આવે છે અને પાંચથી વધુ દર્દી હોય તો આખી ઈમારત સીલ કરવામાં આવતી હતી. જોકે હવે છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મુંબઈમાં સીલ કરવામાં આવેલી ઈમારતની સંખ્યા પણ 318 પર પહોંચી ગઈ છે. તો ચાર હજારથી વધુ માળ પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેથી ચહલે નિયમમાં સુધારા કર્યા છે. દરમિયાન મુંબઈમાં ઝૂંપડપટ્ટી કરતાં ઈમારતોમાં વધુ કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે, તેથી મહાપાલિકાએ ઈમારતને સીલ કરવાના નિયમોમાં સુધારો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...