વાતચીત:‘આર્યને કહ્યું, આઈ એમ સોરી’, ‘શાહરુખે કહ્યું, આઈ ટ્રસ્ટ યુ’

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતા- પુત્ર બંને વચ્ચે 15-20 મિનિટ સુધી વાતચીત થઈ
  • શાહરુખના બંગલોમાં NCB ટીમનું સર્ચ ઓપરેશન

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાનને મળવા શાહરુખ 19 દિવસ પછી ગુરુવારે આર્થર જેલમાં ગયો હતો. 20 ઓક્ટોબરે સરકારે જેલના કેદીઓ તથા પરિવારને મળવાની મંજૂરી આપી હતી. કોરોનાને કારણે પરિવારજનો કેદીઓને મળી શકતા નહોતા. સરકારે પરવાનગી આપતા જ શાહરુખ પુત્રને મળવા ગયો હતો.

મુલાકાત દરમિયાન આર્યન રડી પડ્યો હતો. શાહરુખ પણ ભાવુક થયો હતો, પરંતુ તેણે પોતાના ચશ્માં ઉતાર્યા નહોતા. સૂત્રોના મતે, પુત્રને રડતો જોઈને શાહરુખના આંસુ સરી પડ્યા હતા. શાહરુખે પુત્ર હાલચાલ પૂછ્યા હતા અને થોડી વાર શાંતિથી પુત્રને જોતો રહ્યો હતો.

વાતચીતમાં આર્યને અનેક વાર આઇ એમ સોરી કહ્યું હતું. જવાબમાં શાહરુખે કહ્યું હતું, આઇ ટ્રસ્ટ યુ, એમ જેલનાં સૂત્રોએ જણાવ્યું હતું.જેલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરુખ જેલની અંદર આવ્યો ત્યારે તેની એન્ટ્રી થઈ અને તેનું આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો ચકાસવામાં આવ્યા પછી ટોકન આપીને અંદર છોડવામાં આવ્યો હતો. પિતા- પુત્રની મુલાકાત જેલમાં બનેલી એક કેબિનમાં થઈ હતી. આ કેબિનની વચ્ચે એક કાચની દીવાલ હતી, જ્યાં ઇન્ટરકોમની મદદથી એકબીજા સાથે વાત કરી હતી.

તેમની વચ્ચે 15-20 મિનિટ સુધી વાત ચાલી હતી. વાતચીત દરમિયાન 4 ગાર્ડ હાજર હતા. સામાન્ય આરોપીના પરિવારની જેમ જ શાહરુખને કોઈ ખાસ સગવડ અપાઈ નહોતી. મિટિંગનો સમય પૂરો થયા બાદ શાહરુખ પોતે બહાર નીકળી ગયો હતો. સવારે 9 વાગ્યે જેલમાં પહોંચ્યા પછી 9.35 વાગ્યે શાહરુખ બહાર આવ્યો હતો.

શાહરુખને જમવાનું અપવાની મંજૂરી ના મળી
શાહરુખે જેલ સ્ટાફને પૂછ્યું કે તે પુત્રને કશુંક ખાવાનું આપી શકે છે, પરંતુ અધિકારીઓએ ના પાડી દીધી હતી. ત્યાર બાદ થોડી વાર રોકાયો હતો અને જતો રહ્યો હતો. શાહરુખે જેલના અધિકારીઓને પુત્રનું ધ્યાન રાખવાની વિનંતી કરી હતી. જેલની અંદર શાહરુખ પોતાના બે બોડીગાર્ડ તથા બે મહિલા સ્ટાફને લઈ ગયો હતો. જેલમાં ગયા બાદ તેમણે એક જેલ અધિકારીને વાત કરી હતી અને પછી તેઓ મુલાકાત કક્ષમાં ગયા હતા. મુલાકાત પહેલાંની તમામ ઔપચારિકતા શાહરુખની મેનેજર પૂજા દદલાનીએ પૂરી કરી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગુરુવારે વધુ 4 સ્થળે સર્ચ કરી હતી. બુધવારની સાંજ અને ગુરુવારની સવારની વચ્ચે એનસીબીએ ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીના કેસમાં મુંબઈમાં ચાર સ્થળે સર્ચ ઓપરેશન કર્યું હતું, જેના ભાગરૂપ ગુરુવારે શાહરુખ ખાન તથા અનન્યા પાંડેના ઘરે પણ ટીમ ગઈ હતી.

એનસીબીની ટીમ સફેદ રંગની બોલેરોમાં શાહરુખ બાંદરામાં બેન્ડસ્ટેન્ડ ખાતે મન્નત બંગલોમાં ગઈ હતી. એનસીબીના બે અધિકારી મન્નતના દરવાજે પહોંચ્યા હતા, જ્યાં દરવાજા પર ઊભેલા સિક્યુરિટી જવાને તેમને અટકાવ્યા હતા. તરત અંદરથી એક ઉપરી સિક્યુરિટી અધિકારી બહાર આવ્યો હતો. આ અધિકારીએ એનસીબીની ટીમને બાજુમાં આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે એનસીબી ટીમના આઇકાર્ડ અને દસ્તાવેજ માગ્યા હતા. એનસીબીની ટીમે આઇકાર્ડ અને દસ્તાવેજ બતાવ્યા હતા. ત્યાર બાદ થોડી વાર પછી ગેટમાંથી એક મહિલા બહાર આવી હતી.

આ મહિલા સાથે અધિકારીએ વાત કરી હતી. બાદમાં મહિલા એક અધિકારીને લઈને ગેટની અંદર ગઈ હતી, જ્યારે બીજા અધિકારીને સિક્યુરિટીએ બહાર ઊભા રહેવા જણાવ્યું હતું. ગેટ પર રાહ જોવડાવતાં એનસીબીની ટીમ અકળાઈ ગઈ હતી. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી મળેલા વ્હોટ્સએપ ચેટ્સના આધારે વધુ બે કલાકાર સ્કેનર હેઠળ છે.

આર્યન ફરતે ગાળિયો મજબૂત
આર્યન ખાન સામે પુરાવાઓ બેગા કરીને ગાળિયો મજબૂત કરવા માટે એનસીબીની ટીમ કામે લાગી ગઇ છે. આ કડીમાં એનસીબીએ એસઆરકેના મેનેજરને જરૂરી દસ્તાવેજો સંબંધિત પત્ર સોંપ્યો હતો. તપાસ અધિકારી વિશ્વ વિજય સિંહે એનસીબી દ્વારા જરૂરી દસ્તાવેજોની યાદી સંબંધિત પત્ર શાહરુખની મેનેજર પૂજાને સોંપ્યો છે, જેમાં આર્યનના શૈક્ષણિક દસ્તાવેજો, તબીબી ઇતિહાસ, વિદેશ પ્રવાસ દરમિયાન ખર્ચ, બેંક ખાતાની વિગતો, નાણાંની લેવડદેવડની એપ અને કાર્ડની વિગતોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...