રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર વિશે સોશિયલ મિડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરનારી મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેત્રી કેતકી ચિતળે (29)ને રવિવારે થાણે કોર્ટમાં હાજર કરાતાં 18 મે સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ફેસબુક પેજની વોલ પર પોસ્ટ પેસ્ટ કરનારી કેતકીની શનિવારે થાણેના કલવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
રવિવારે તેને હોલીડે કોર્ટમાં હાજર કરાઈ હતી. બીજી બાજુ પવાર વિશે સોશિયલ મિડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરનાર 23 વર્ષીય ફાર્મસીના વિદ્યાર્થી ભામરેની પણ શનિવારે નાશિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન રાજ્યભરમાં 10 પોલીસ સ્ટેશનમાં કેતકી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કેતકીએ પવારના દેખાવ, બીમારી અને અવાજ વિશે વાંધાજનક પોસ્ટ કરી હતી. નરક વાટ જોઈ રહ્યું છે, તમે બ્રાહ્મણોને ધિક્કારો છો એવી વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટમાં કરવામાં આવી હતી.કેતકીએ કોર્ટમાં પોતે જ દલીલો કરી હતી. તેણે કહ્યું કે પોસ્ટ મારી નથી. તે મેં સોશિયલ મિડિયા પરથી કોપી કરીને પોસ્ટ કરી હતી.
સોશિયલ મિડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરવું શું ગુનો છે? આ પોસ્ટ હું ડિલીટ કરવાની નથી. તે મારો અધિકાર છે, એમ પણ દલીલમાં તેણે જણાવ્યું હતું.રાષ્ટ્રવાદીના થાણે જિલ્લા યુવક અધ્યક્ષ સ્વપ્નિલ નેટકેએ કલવા પોલીસમાં કેતકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે રાત્રે કલંબોલી વિસ્તારમાંથી કેતકીની ધરપકડ કરી હતી.
કેતકીને મહારાષ્ટ્રનાં દર્શન કરાવીશું
કેતકીએ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કર્યા પછી રાજ્યભરમાં રાષ્ટ્રવાદીના નેતાઓ અને કાર્યકરો આક્રમક બની ગયા છે. અનેકોએ કેતકી વિરુદ્ધ પોસ્ટ લખીને વિરોધ કર્યો છે. રાષ્ટ્રવાદીના કાર્યકરોએ થાણે ક્રાઈમ બ્રાન્ચ કેતકીને પોલીસ સ્ટેશનમાં લઈ જતી હતી ત્યારે શાહી પણ ફેંકી હતી. પોલીસ સ્ટેશનની બહાર અમુક મહિલાઓએ હાય-હાય એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રવાદીના કાર્યકરો કેતકી અને તેના જેવા અન્યોને મહારાષ્ટ્ર દર્શન કરાવશે એવો ઈશારો રાષ્ટ્રવાદીના નેતા આનંદ પરાંજપેએ આપ્યો હતો.
આ કલમો હેઠળ કાર્યવાહી
કેતકીનું કહેવું છે કે નીતિન ભાવે નામની વ્યક્તિની આ પોસ્ટ છે. જોકે આ પોસ્ટમાં પવાર બાબતે નરકની ભાષા કરવામાં આવી છે. દરમિયાન પોલીસે કેતકી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી), 501 (બદનક્ષીભર્યું લખાણ મુદ્રણ કરવું), 505 (2) (બે વર્ગ વચ્ચે દુશ્મનાવટ, ધિક્કાર પેદા કરતું નિવેદન કરવું, પ્રસિદ્ધ કરવું અથવા વિતરણ કરવું) અને 153 એ (લોકોમાં વેર પેદા કરવું) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.