રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારના અવાજમાં મંત્રાલયમાં રાજ્યના ગૃહમંત્રીના કાર્યાલયમાં એક તોફાનીએ ફોન કર્યો હતો. ફોન કરીને અમુક અધિકારીની બદલી તમુક ઠેકાણે કરવાની છે એવું ફરમાન કાઢતાં ફોન લેનારો અધિકારી પણ સ્તબ્ધ થઈ ગયો હતો. આ પછી તપાસ કરતાં બોગસ કોલ હોવાનું જણાયું હતું. આ અંગે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલે ત્રણ જણને કબજામાં લીધા છે.
બુધવારે ગૃહમંત્રીના કાર્યાલયમાં આ ફોન કોલ આવ્યો હતો. હું સિલ્વર ઓકથી શરદ પવાર બોલું છું. અમુક અધિકારીની તમુક ઠેકાણે બદલી કરવાની છે એમ આબેહૂબ અવાજમાં આદેશ આપતાં ફોન લેનાર અધિકારી સ્તબ્ધ રહી ગયો હતો. આ પછી અન્ય અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.
પ્રશાસકીય અધિકારીઓએ સિલ્વર ઓકમાં આ અંગે પૂછપરછ કરી હતી. પવારને પણ જાણકારી અપાતાં તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ પછી સિલ્વર ઓકના ઓપરેટરે તેમની હદમાં આવતા ગામદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતા જોતાં ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. કોલર સહિત ત્રણ જણને થાણેના યેઉર ખાતેથી કબજામાં લેવાયા હતા, જેમનાં નામ જાહેર કરાયાં નહોતાં અને આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે હાલમાં રાજ્યના ગૃહમંત્રી રાષ્ટ્રવાદીના જ દિલીપ વલસે પાટીલ છે. આ પૂર્વે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું, જે પછી વલસે પાટીલને આ હોદ્દા પર બિરાજમાન કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં ફોન ટેપિંગનું પ્રકરણ બહુ ગાજી રહ્યું છે. આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ આઈપીઆઈ અધિકારીઓની પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે. આને કારણે પવારના આબેહૂબ અવાજમાં ફોન કોલ આવતાં અધિકારી શરૂઆતમાં ગૂંચવાઈ ગયો હતો અને જી સર જી સર કર્યું હતું, પરંતુ પછી પ્રશાસકીય અધિકારીઓએ મળીને સિલ્વર ઓકમાં ખાતરી કરવા ફોન કરતાં કોલ બોગસ હોવાનું જણાયું હતું.
આરોપીએ કોલ- સ્પૂફિંગ એપનો ઉપયોગ કર્યો હતો, જેના થકી અવાજ બદલી શકાય છે. વળી, કોઈક એવા એપનો ઉપયોગ કર્યો હતો જેનાથી નંબર સિલ્વર ઓક જેવી જ સામ્યતા ધરાવતો હતો. આ બધાની હવે તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ જમીન સોદા અંગે ફોન કોલ
9 ઓગસ્ટે પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં જમીન સોદા સંબંધે પણ આ રીતે જ ફોન કોલ કરવામાં આવ્યો હતો. જોકે તે બોગસ હોવાનું જણાતાં પુણેના ચાકણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.