નિવેદન:હું ચંડીગઢમાં જ છુઃ મુંબઈના પૂર્વ પો. કમિશનર પરમવીરે મૌન તોડ્યું

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં મુંબઈમાં વિવિધ કેસની તપાસમાં જોડાશે એમ તેમણે કહ્યું

મુંબઈ અને થાણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે બુધવારે કહ્યું કે તેઓ ચંડીગઢમાં છે અને ટૂંક સમયમાં મુંબઈમાં પોતાની સામેના કેસોની તપાસમાં જોડાશે. પરમવીર વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં ખંડણી, ભ્રષ્ટાચાર, એટ્રોસિટીના પાંચ કેસ નોંધાયેલા છે. ઉપરાંત રૂ. 100 કરોડની વસૂલીની ફરિયાદની તપાસ કરતા જસ્ટિસ ચાંદીવાલ પંચ સામે પણ તેમને નિવેદન નોંધાવવા હાજર થવાનું છે.

સોમવારે સુપ્રીમ કોર્ટે કથિત ખંડણીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું હતું. તે મંજૂર કરતી વખતે, કોર્ટે પરમવીરને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમવીરના વકીલે કહ્યું હતું કે તેઓ ભારતમાં જ છે. ફરાર થવા કે ભાગવા માગતા નથી. જોકે મુદ્દો એ છે કે મહારાષ્ટ્રમાં પ્રવેશતાંની સાથે તેમના જીવને ખતરો છે.” ગયા અઠવાડિયે, પરમવીર સિંહને મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે “ભાગેડુ અપરાધી’ જાહેર કર્યા હતા.

મંગળવારે સિંહના મુંબઈના નિવાસસ્થાનની બહાર નોટિસ પણ ચોંટાડવામાં આવી હતી. એ પછી પ્રથમ વખત પરમવીર સિંહે મૌન તોડ્યું છે અને કહ્યું કે તેઓ ચંડીગઢમાં છે, ટૂંક સમયમાં તપાસમાં જોડાશે. સોમવારે તેમના વકીલ પુનિત બાલી તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે તેમના અસીલને જાનને જોખમ છે, આથી તેઓ સામે આવતા નથી. તેઓ ગુમ નથી, દેશમાં જ રહે છે. આ પછી કોર્ટે કહ્યું, આશ્ચર્યની વાત એ છે કે ખુદ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર મુંબઈમાં આવીને રહેવાથી ડરી રહ્યા છે. કોર્ટે પરમવીરની આ દલીલ સામે ધરપકડ પર રોક લગાવતી તેમની અરજીને સુનાવણી માટે મંજૂર કરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 6 ડિસેમ્બરે કરવામાં આવશે. ત્યાં સુધી પરમવીરની ધરપકડ નહીં થઈ શકે. કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકાર અને સીબીઆઇને પણ એક નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...