તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:હું ચાયનીઝ છું, 12 મિલિયન રૂપિયા નહીં આપો તો પરિવારને ખતમ કરીશ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતા- પિતાને ત્રાસ આપવા સગીરાએ આપી ઈમેઈલ ધમકી
  • બોરીવલીમાં બેન્કના ઉચ્ચ અધિકારીની પત્નીને તેની સગીર પુત્રીએ ખંડણીની ધમકી આપી
  • ઓનલાઈન શિક્ષણ માટે આપેલા મોબાઈલથી માતા- પિતાને જ લક્ષ્ય બનાવ્યાં

​​​​​​બોરીવલીમાં રહેતા ગુજરાતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને એક નામાંકિત બેન્કમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા અધિકારીની પત્નીને ચીની સાઈટ પરથી ઈમેઈલ પર ખંડણી માટે ધમકી આપવામાં આવતી હતી. તપાસમાં માતા- પિતા પ્રેમ કરતાં નથી એવું ધારીને સગીર પુત્રીએ જ ઈમેઈલ ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. બેન્ક અધિકારીની પત્નીને 16થી 18 જુલાઈ વચ્ચે ચુનહુઆયેન્ગ, કોન્જિયેન, પિન્ચિંગ જેવી સાઈટ્સ પરથી ત્રણ ઈમેઈલ આવ્યા હતા. તેમાં હું ચાયનીઝ છું એમ કહીને સૌપ્રથમ રૂ. 1 લાખની માગણી કરી હતી. બાદમાં 12 મિલિયન રૂપિયાની માગણી કરી હતી. જો આ રકમ નહીં અપાશે તો તમને અને તમારી નાની દીકરીઓને જાનથી ખતમ કરવાની ધમકી આપી હતી.

ફરિયાદીને વિશ્વાસમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી
ફરિયાદી બેન્કમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હોવાથી ખંડણીખોરોએ પૈસા માટે ધમકી આપી હોવાનું વિચારીને કુટુંબીઓ બહુ જ ભયભીત થઈ ગયા હતા. આમ છતાં હિંમત રાખીને 21 જુલાઈએ બોરીવલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જોકે લોકડાઉનના સમયગાળામાં સાઈબર ગુનાઓ વધી ગયા હોવાથી સાઈબર ક્રાઈમ સેલ અન્ય ફરિયાદોમાં વ્યસ્ત હોવાથી ક્રાઈમ બ્રાન્ચની કાંદિવલી શાખાને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે ત્રણેય ઈમેઈલ અકાઉન્ટની બારીકાઈથી ટેકનિકલ તપાસો શરૂ કરી હતી. તેમાં ઈમેઈલ ફરિયાદીના નામના મોબાઈલ પરથી જ આવ્યા હોવાનું જણાયું હતું. આથી ફરિયાદીને વિશ્વાસમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

માતા- પિતાની ધરપકડ કરીને ત્રાસ આપે તે હેતુથી તેણે ઈમેઈલ્સ કર્યા
તેમણે જણાવ્યું કે લોકડાઉન હોવાથી હાલમાં તેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ માટે લેપટોપ અને મોબાઈલનો ઉપયોગ કરે છે. પત્ની પાસે એક મોબાઈલ છે અને બાર વર્ષની પુત્રી ઓનલાઈન શિક્ષણ લેતી હોવાથી તેને પણ મોબાઈલ ફોન લઈ આપ્યો છે. તે સાતમા ધોરણમાં ભણે છે. આ પછી ઈમેઈલના વિશ્લેષણમાં એવું જણાયું કે ધમકીઓ અપાઈ તે મોબાઈલ ફોન ફરિયાદીની પુત્રી પાસે છે. આથી માતા- પિતાની સામે સગીર પુત્રીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો. માતા- પિતા તેની તરફ ધ્યાન આપતાં નથી, પોતાની નાની બહેનને વધુ વહાલ કરે છે, વારંવાર ખીજાય છે તેથી માનસિક તાણ હેઠળ હતી. આથી માતા- પિતા પ્રત્યેના ગુસ્સાનું વેર વાળવા, પોલીસ માતા- પિતાની ધરપકડ કરીને ત્રાસ આપે તે હેતુથી તેણે ઈમેઈલ્સ કર્યા હોવાનું કબૂલ કર્યું હતું.

કેસ નોંધાયેલો હોવાથી અમે આગળ શું કરવું તે વિશે અભિપ્રાય લઈશું
પોલીસે જણાવ્યું કે અમે હાલમાં તો બાળકી અને માતા- પિતાને ફરી આવું નહીં થાય તેનું ધ્યાન રાખવા સમજાવી દીધાં છે. બાળકીનો કોઈ ગુનાહિત ઉદ્દેશ નહોતો. આમ છતાં કેસ નોંધાયેલો હોવાથી અમે આગળ શું કરવું તે વિશે કોર્ટને અભિપ્રાય લઈશું.

અન્ય સમાચારો પણ છે...