ધરપકડ:બાંગ્લાદેશથી 5000 છોકરીઓની માનવી તસ્કરી કરનારો પકડાયો

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત, રાજસ્થાનથી છોકરીઓનો પુરવઠો કરવા ચેઈન બનાવતો હતો

પાંચ હજારથી વધુ છોકરીઓની બાંગ્લાદેશમાંથી માનવી તસ્કરી કરીને ભારતમાં લાવ્યા પછી વેશ્યાવ્યવસાયમાં ધકેલનારા નરાધમ વિજયકુમાર દત્તની પોલીસે ધરપકડ કરી છે. 25 વર્ષ પૂર્વે દત્ત બાંગ્લાદેશથી ભારતમાં આવ્યો હતો. આ પછી નાલાસોપારા વિસ્તારની ગીચ વસતિમાં અડ્ડો બનાવ્યો હતો. પોલીસે તેના સાગરીત બબલુ સાથે તેની બાણગંગા વિસ્તારના કાલિંદી ગોલ્ડ સિટી ખાતેથી ધરપકડ કરી છે.

ઊલટતપાસમાં તેણે અનેક ખુલાસા કર્યા છે. દત્ત તેના સાગરીતો ઉજ્જવલ, બબલુ અને સેજલ વગેરે સાથે મળીને ઈન્દોરને વેશ્યાવ્યવસાયનું કેન્દ્ર બનાવવાનો હતો. ઈન્દોરથી મુંબઈ, સુરત, રાજસ્થાન અને અન્ય મુખ્ય ઠેકાણે છોકરીઓનો પુરવઠો કરતી ચેઈન બનાવવાની તેની યોજના હતી.

દત્ત ભારતીય નાગરિક હોવાના બોગસ દસ્તાવેજો બનાવ્યા છે. પત્નીને મળવા જવાનું કારણ આપીનેતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વારંવાર આવજા કરતો હતો. બાંગ્લાદેશમાં શબાના અને બખ્તિયારની મદદથી ગરીબ ઘરની છોકરીઓને પોતાની જાળમાં સપડાવતો હતો. નોકરી આપવાની લાલચ બતાવીને છોકરીને માનવી તસ્કરીને માર્ગે ભારતમાં લાવતો હતો. આ પછી થોડા દિવસ પોતાની સાથે રાખતો. ત્યાર બાદ વેશ્યાવ્યવસાય માટે તૈયાર કરતો. તે પોતે પણ તેમની સાથે અનેક વાર દુષ્કર્મ કરતો હતો. જો પીડિતા પાછી બાંગ્લાદેશમાં જવા માગે અથવા વિરોધ કરે તો ગોળીથી ઠાર મારી નાખવાની ધમકી આપતો હતો.

10 છોકરીઓ સાથે લગ્ન કર્યાં
છેલ્લાં 25 વર્ષમાં આરોપીએ 5000થી વધુ છોકરીઓને વેશ્યાવ્યવસાયમાં ધકેલી દીધી છે. આરોપીએ પોતે હમણાં સુધી 10 છોકરીઓ સાથે લગ્ન કર્યાં છે. 100થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છે. આ પછી છોકરીઓને દેહવેપારમાં ધકેલતો અને કમિશન પોતાની પાસે જ રાખતો હતો. છેલ્લા થોડા દિવસથી મુંબઈ પોલીસ તેને શોધતી હતી. જોકે તે હાથતાળી આપતો હતો. આખરે નાલાસોપારા દરોડા પાડતાં આરોપી ઈન્દોર ભાગી ગયો હતો. એસઆઈટીની મદદથી તેને ઝડપી લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...