શિવસેનાનો સવાલ:MRI રૂમમાં રાણાનો વિડિયો શૂટ કઈ રીતે કર્યો

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ પાસે જવાબ માગ્યો અને પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ ચીમકી

અપક્ષ સાંસદ નવનીત રાણાનો લીલાવતી હોસ્પિટલમાં એમઆરઆઇ કરાવતો ફોટો વાઈરલ થયા બાદ મામલો રાજકીય રીતે ગરમાયો છે. એમઆરઆઈ રૂમમાં કોઈ પણ વ્યક્તિ કેમેરા કે મોબાઈલનો ઉપયોગ કરી શકતી નથી. એમઆરઆઈ ઉપકરણ એટલું સંવેદનશીલ છે કે તે રૂમમાં કેમેરો કંઇ રીતે પહોંચ્યો એ મામલે શિવસેનાએ સવાલ ઉઠાવ્યા છે.

શિવસેનાએ રાણાની સારવારના શૂટિંગને લઈને લીલાવતી હોસ્પિટલ પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાના નેતા કિશોરી પેડણેકર અને ધારાસભ્ય મનીષા કાયંદેએ સોમવારે ​​લીલાવતી હોસ્પિટલ પર સવાલ કર્યો અને હોસ્પિટલ પ્રશાસન પાસે જવાબ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના આરોપસર 14 દિવસ જેલમાં રહ્યા બાદ રાણાની તબિયત લથડતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.

કાયંદેએ લીલાવતી હોસ્પિટલના અધિકારીઓને એમઆરઆઇ કરાવતાં નવનીત રાણાનો ફોટો બતાવીને પૂછ્યું છે કે જ્યારે એમઆરઆઈ રૂમમાં કેમેરાની મંજૂરી નથી તો તે દિવસે કેમેરા રૂમમાં કેવી રીતે પહોંચ્યો. તે ફોટો કોણે ખેંચ્યો તે જાહેર કરવાની માગણી પણ તેમણે કરી હતી.

રાણાના સ્પૉન્ડિલાઇટિસ સામે પ્રશ્ન : નવનીત રાણાને સતત આકરો જવાબ આપનાર કિશોરી પેડણેકરે રાણાના વાઈરલ ફોટોને લઈને હોસ્પિટલ પ્રશાસનને આડે હાથ લીધું હતું. નવનીત રાણાએ તેમને સ્પોન્ડિલાઈટિસ હોવાનું જણાવ્યું હતું. આ સમસ્યા હોય ત્યારે દર્દી ઓશિકાનો ઉપયોગ નહીં કરી શકે. જોકે રાણાના વાઈરલ ફોટોમાં તે તકિયાનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે.

પેડણેકરે પ્રશ્ન કર્યો હતો કે જો રાણાને સ્પોન્ડિલાઈટિસ હોય તો તેને ઓશિકું વાપરવાની કેવી રીતે મંજૂરી આપવામાં આવી. એમઆરઆઈ દરમિયાન રાણાનું માથું ઊંચું જોવા મળ્યું હતું. એમ પૂછતાં તેમણે રાણાના એમઆરઆઈ પર ઘણા સવાલો કર્યા હતા.

રાણાએ સારવારનું નાટક કર્યું
મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે પણ નવનીત રાણાના સ્પોન્ડિલાઈટિસના કિસ્સામાં ગાદલાના ઉપયોગની અને જોખમો હોવા છતાં એમઆરઆઈ રૂમ અને દર્દીઓમાં કેમેરા ઉપકરણોના ઉપયોગની ટીકા કરી હતી. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે શું આ નાટકમાં હોસ્પિટલ પ્રશાસન પણ સામેલ છે. જોકે હોસ્પિટલ પ્રશાસન આ તમામ પ્રશ્નોના જવાબ આપે તેવું લાગ્યું નથી.

પોલીસમાં ફરિયાદ નોંધાવીશ
કાયંદેએ પ્રેસ કોન્ફરન્સમાં તેમની ભૂમિકા રજૂ કરી. તેમણે કહ્યું કે કેમેરા માટે એમઆરઆઇ રૂમમાં જવું જોખમી છે. આ દર્દીઓ માટે જોખમી છે અને તેમના અધિકારોની પણ વિરુદ્ધ છે. લીલાવતી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ હોવા છતાં રાજ્ય ચેરિટી સાથે નોંધાયેલી છે. આથી, હોસ્પિટલ અને તેના દર્દીઓની જવાબદારી પણ સરકાર પર આવે છે.

નવનીત રાણાને હોસ્પિટલમાં કેવા પ્રકારની પરવાનગી આપવામાં આવી હતી કે હોસ્પિટલ પ્રશાસન પર કોઈ દબાણ હતું કે કેમ તે જાણવું ખૂબ જ જરૂરી છે. તેથી અમે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવીશું, એમ કાયંદેએ જણાવ્યું હતું. તેમના તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે, કે આવી ઘટનાઓ ફરીથી ન બને, તેથી હવે પગલાં લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...