દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર શમી ગયા પછી મોટા ભાગનાં રાજ્યોમાં લોકડાઉન પ્રતિબંધ હળવા કરવામાં આવી રહ્યાં છે. ધીમે ધીમે અનલોક દ્વારા આવશ્યક પ્રવૃત્તિઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે પણ કોરોનાના કેસ ઘટ્યા બાદ પ્રતિબંધોમાં થોડી વધુ છૂટછાટની જાહેરાત કરી છે. અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકામાં હવે રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરાંને રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
સરકારે જારી કરેલી નવીનતમ માર્ગદર્શિકા અનુસાર, રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરાં સાંજે 4 વાગ્યાને બદલે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જોકે સિનેમા હોલ અને ધાર્મિકસ્થળોને હાલમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટથી રાજ્યમાં ઘણાં બધાં નિયંત્રણો હળવાં કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં રેસ્ટોરાં, હોટેલ અને શોપિંગ મોલને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો માર્ગ છેવટે મોકળો થઈ ગયો છે. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં બુધવારે મહત્ત્વના નિર્ણયો લીધા હતા. તેમાંથી આ એક છે. હવે 10 વાગ્યે 50 ટકા ક્ષમતા સાથે સમગ્ર રાજ્યમાં રેસ્ટોરાં અને હોટેલો ચાલુ રહી શકશે. આ નિર્ણય 15 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, એમ ટોપેએ જણાવ્યું હતું.
લગ્નમાં 100 લોકોની હાજરીને છૂટ
તેમણે કહ્યું કે રસીના બંને ડોઝ ધરાવતા લોકો હવે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. રાજ્ય સરકારે લોકોને માસિક અને ત્રિમાસિક પાસ આપવાની સૂચના આપી છે. આ સાથે, હોટેલ- રેસ્ટોરાં 50 ટકા ક્ષમતા સાથે ચલાવી શકાય છે. તે જ સમયે, 100 લોકો લગ્નમાં હાજરી આપી શકે છે. ઉપરાંત, ઇન્ડોર લગ્નો માટે હોલમાં 50 ટકા બેઠક ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે.
હોટેલ માલિકોને રાહત
રાજેશ ટોપેએ રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ નિર્ણયોની માહિતી આપી હતી. રાજ્યમાં અત્યારે પ્રતિબંધ હળવા કરવાનો મહત્ત્વનો નિર્ણય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, કે રેસ્ટોરાં, હોટેલ અને શોપિંગ મોલ 15 ઓગસ્ટથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હોટેલ અને રેસ્ટોરાં માલિકોને આ જાહેરાતથી મોટી રાહત છે, કારણ કે લાંબા સમયથી તેઓ આ માગણી કરી રહ્યા હતો.
ત્રીજી લહેરનું જોખમ છે
જોકે નિષ્ણાતોએ કોરોના ફાટી નીકળવાની ત્રીજી લહેરનું જોખમ વ્યક્ત કર્યું છે. આથી આ અંગેની કાળજી લેવા બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજેશ ટોપેએ કહ્યું કે રાજ્યમાં શોપિંગ મોલને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ છે, પરંતુ માત્ર એવા ગ્રાહકો કે જેમણે મોલમાં કોરોના વિરોધી રસીના બે ડોઝ લીધા છે તેમને જ પ્રવેશ અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.