સુવિધા:કાલાચોકીમાં 400 વિદ્યાર્થીઓના નિવાસની સગવડવાળી હોસ્ટેલ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ અને નોકરી માટે મુંબઈ આવતા યુવક-યુવતીઓ માટે સુવિધા

શિક્ષણ અને નોકરી માટે મોટી સંખ્યામાં મુંબઈ આવતા યુવક-યુવતીઓ અને વિદ્યાર્થીઓની રહેવાની સગવડ માટે મ્હાડા આગળ આવ્યું છે. કાલાચોકી ખાતે જિજામાતાનગરમાં 400 જણ રહી શકે એવી હોસ્ટેલ બાંધવાનો નિર્ણય મુંબઈ મંડળે લીધો છે. આ પ્રકલ્પની વિગતવાર રૂપરેખા અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે. જિજામાતાનગર ખાતે હોસ્ટેલની 22 માળાની ઈમારત બાંધવામાં આવશે. આ હોસ્ટેલમાં ભોજનાલય (મેસ) સહિત વિવિધ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. નાગરિકોને પરવડી શકે એવા દરમાં હકના ઘર આપવાની સામાજિક જવાબદારી જાળવવા માટે મ્હાડાએ અન્ય પ્રકલ્પ પણ શરૂ કર્યા છે.

મહારાષ્ટ્ર તરફથી તાજેતરમાં જ કેન્સરગ્રસ્ત અને તેમના સગાસંબંધીઓને રહેવા માટે 100 ઘર આપવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે થોડા મહિના પહેલાં મુંબઈમાં ચાર હોસ્ટેલ બાંધવાનું જાહેર કર્યું હતું. એ અનુસાર હવે પ્રથમ હોસ્ટેલ કાલાચોકીના જિજામાતાનગરમાં બાંધવાનો નિર્ણય લીધો હોવાની માહિતી મુંબઈ મંડળના સહમુખ્ય અધિકારી જીવન ગલાંડેએ આપી હતી.

વિગતવાર રૂપરેખાનું કામ
અત્યારે આ પ્રકલ્પની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. એના માટેનો પ્રસ્તાવ આગામી થોડા મહિનામાં મંજૂરી માટે પ્રાધિકરણ સમક્ષ રજૂ કરવામાં આવશે. એ પછી બાંધકામ માટે ટેંડર મગાવવામાં આવશે. ટેંડર પ્રક્રિયા પૂરી થયા પછી કોન્ટ્રેક્ટરના ઈમારતના બાંધકામનો કોન્ટ્રેક્ટ આપીને કામની શરૂઆત કરવામાં આવશે. એના માટે હજી સાતઆઠ મહિના લાગશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

હોસ્ટેલની રચના
22 માળાની ઈમારતમાં ભોંયતળિયુ વ્યવસાયિક ઉપયોગ માટે રાખવામાં આવશે. ત્યાં બેંક સહિત અન્ય વ્યવસાયિક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓ રહી શકશે. એક વ્યક્તિ, બે વ્યક્તિ અથવા એના કરતા વધુ વ્યક્તિઓ રહી શકે એવા રૂમ્સ બનાવવામાં આવશે. રૂમમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ ઈમારતમાં ભોજનાલય પણ હશે.

અન્ય સમાચારો પણ છે...