ભાસ્કર વિશેષ:ટીબી નિયંત્રણ માટે 15- 25 નવેમ્બર વચ્ચે ઘેર ઘેર તબીબી તપાસ ઝુંબેશ

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 876 આરોગ્ય કર્મીઓ દ્વારા 17 લાખ નાગરિકોની તપાસ કરાશે

ટીબી નિયંત્રણ અને પ્રતિબંધ માટે મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગ દ્વારા 15-25 નવેમ્બર વચ્ચે ઘેર ઘેર જઈને નાગરિકોની તપાસ કરવામાં આવશે. દસ દિવસ સુધી સવારે 9થી સાંજે 4 વાગ્યે આ તપાસ કરવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારીઓને સહયોગ આપવાનો અનુરોધ કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ જણાવ્યું હતું.

સ્પેશિયલ એક્ટિવ કેસ ફાઈન્ડિંગ નામે આ ઝુંબેશમાં ટીબીનો વધુ પ્રભાવ જણાયો છે તેવા 54 ટીબી યુનિટ વિસ્તારોમાં સામાન્ય રીતે 17 લાખ નાગરિકોની ટીબીની તપાસ કરવામાં આવશે. આ ઝુંબેશ માટે મહાપાલિકાના 876 આરોગ્ય કર્મચારીઓને કાર્યરત કરાશે. જો નિર્ધારિત સમયમાં ઘરની કોઈ વ્યક્તિ કામ નિમિત્તે કે અન્ય કારણોસર બહાર હોય તો કર્મચારીઓ અન્ય દિવસે આવીને તપાસ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

જો પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ દર્દી મળી આવે તો તેની પર એક્સ-રે સહિતની અન્ય તપાસો કરવામાં આવશે. આ તપાસ નજીકની સરકારી અથવા મહાપાલિકાની લેબમાં કરવામાં આવશે. એક્સ-રે તપાસ નિર્ધારિત ખાનગી એક્સ-રે કેન્દ્રમાં કરાશે, જે માટે દર્દીને વિશેષ વાઉચર આપવામાં આવશે, જેથી આવા દર્દીઓને ખાનગી કેન્દ્રમાં મફતમાં એક્સ-રે કઢાવીને મળશે. ઝુંબેશ દરમિયાન ટીબીથી ગ્રસ્ત મળી આવનારા દર્દીઓ પર મફત ઔષધોપચાર કરવામાં આવશે.

ટીબી સંબંધી લક્ષણો બાબતે માહિતી આપતાં સહાયક આરોગ્ય અધિકારી ડો. પ્રણિતા ટિપરેએ જણાવ્યું હતું કે 14 દિવસ કરતાં વધુ સમય ખાંસી હોવી, 2 અઠવાડિયાથી વધુ સમય તાવ અને સાંજે તાવ આવવો, લક્ષણીય સ્વરૂપમાં વજન ઓછું થવું, થૂંકમાં લોહી પડવું, છાતીમાં દુખવું, ગરદન પર સોજો હોવો એ ટીબીનાં લક્ષણો છે. આવાં લક્ષણો હોય તો તુરંત મહાપાલિકા અથવા સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી લેવી જોઈએ, જે તપાસ સંપૂર્ણ મફત છે.

દવાનો કોર્સ પૂરો કરવો જરૂરી
મહાપાલિકા અને સરકારી હોસ્પિટલોમાં ટીબીની તપાસ સંપૂર્ણ મફત કરી અપાશે. જો કોઈના કુટુંબમાં કોઈને ટીબીનો ઈતિહાસ હોય અથવા આ પૂર્વે જેમને ટીબી થયો હોય તેવી વ્યક્તિઓએ ટીબીનાં લક્ષણો બાબતે વધુ જાગૃત રહેવાનું જરૂરી છે, એમ ડો. ટિપરેએ જણાવ્યું હતું. ટીબીની બાધા થઈ હોય તેમણે નિયમિત રીતે દવાનો કોર્સ પૂરો કરવાથી ટીબી સાજો થઈ શકે છે. જોકે આ માટે ડોક્ટરોએ સૂચવ્યા મુજબ પદ્ધતિથી જ ઔષધોપચાર લેવાનું અત્યંત જરૂરી છે, એવી માહિતી પ આ નિમિત્તે ડો. ગોમારેએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...