ભાસ્કર વિશેષ:ઐતિહાસિક થાણે રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ રેલવે સ્ટેશનોની ટ્રાફિક સમસ્યા માટે વસઈમાં મલ્ટિ મોડેલ લોજિસ્ટિક પાર્ક

ભારતમાં પ્રથમ ટ્રેન થાણેથી મુંબઈ વચ્ચે દોડી હતી. આવા ઐતિહાસિક થાણે સ્ટેશનનો વારસો જાળવીને પુનર્વિકાસ કરવામાં આવશે. ઐતિસાહિક વારસા સાથે જ અદ્યતન સુવિધા સાથે થાણે રેલવે સ્ટેશનનો દેશના એક આકર્ષક સ્ટેશન તરીકે કાયાપલટ કરવામાં આવશે.

ઉપરાંત થાણે, નવી મુંબઈ, મિરા-ભાઈંદરની ટ્રાફિક સમસ્યા પર સક્ષમ વિકલ્પ બનનાર મલ્ટિ મોડેલ લોજિસ્ટિક પાર્ક વસઈ ખાતે ઊભું કરવા કેન્દ્રિય સરકારે માન્યતા આપી છે. આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું હોવાથી કામ ટૂંક સમયમાં શરૂ થાય એવી શક્યતા છે. થાણે રેલવે સ્ટેશનનો ઐતિસાહિક વારસો જાળવીને પુનર્વિકાસ કરવો એવી માગણી ભાજપના શિષ્ટમંડળે કરી હતી. આ પાર્શ્વભૂમિ પર કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના કાર્યાલયમાં થયેલી બેઠકમાં રેલવે સ્ટેશનના પુનર્વિકાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

થાણે રેલવે સ્ટેશનમાં અનેક વર્ષોથી વિકાસના નાના કામ ચાલુ છે. પણ સહિયારો પુનર્વિકાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવતી હતી. એમાં મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી હોવાથી એને ઐતિહાસિક મહત્વ મળ્યું છે. એ દષ્ટિકોણથી પુનર્વિકાસ કરવો એવો આગ્રહ ભાજપના સંસદસભ્ય વિનય સહસ્ત્રબુદ્ધેએ રાખ્યો હતો. ઐતિહાસિક વારસો જાળવતા પુનર્વિકાસના કારણે વધુમાં વધુ દરજ્જાવાળી સુવિધા મળશે. એ સાથે જ થાણે રેલવે સ્ટેશન સુંદર સ્થાપત્ય તરીકે દેશમાં જાણીતું થશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ તરફથી આવતા ભારે વાહનોના કારણે નવી મુંબઈ, થાણે શહેર અને મીરા ભાઈંદર પરિસરમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થાય છે. થાણે જિલ્લાના રહેવાસીઓને ટ્રાફિક જામથી મુક્ત કરાવવા ભાજપે ટ્રાફિક જામ મુક્ત થાણે ઝુંબેશ ચલાવી હતી. જોકે કોરોના સમયના લીધે આ સંદર્ભનો નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવ્યો નહોતો. હવે કોરોનાથી થોડા અંશે રાહત મળ્યા બાદ વસઈ રોડ રેલવે સ્ટેશન નજીક મલ્ટિ મોડેલ લોજિસ્ટિક પાર્ક ઊભો કરવા માન્યતા આપવામાં આવી. રેલવે મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય અને જેએનપીટી વ્યવસ્થાપનની નવી દિલ્હીમાં થયેલી સહિયારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...