કોર્ટનો આદેશ:મલાડમાં અનધિકૃત મકાન દુર્ઘટનામાં મહાપાલિકાને હાઈ કોર્ટ દ્વારા ફટકાર !

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુર્ઘટનાની આપમેળે દખલ લઈને મેયરને ઠપકા આપવા સાથે તપાસનો પણ કોર્ટનો આદેશ

મલાડ માલવણી વિસ્તારમાં અનધિકૃત બાંધકામ કરેલું મકાન તૂટી પડવાની ઘટના પછી મુંબઈ હાઈ કોર્ટે મહાપાલિકાને શુક્રવારે જોરદાર ફટકાર લગાવી હતી. મુંબઈમાં અનધિકૃત બાંધકામ બાબતે મુંબઈ મહાપાલિકા શું કરી રહી છે એવો પ્રશ્ન કોર્ટે ઉપસ્થિત કર્યો હતો.

મલાડ દુર્ઘટનાની આપમેળે દખલ લઈને કોર્ટે આ ઘટનાની જ્યુડિશિયલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રકરણ કમિશનર સ્તરના અધિકાર મારફત તપાસ કરીને 24 જૂન સુધી તપાસનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.બુધવારે રાત્રે મલાડ માલવણીમાં ત્રણ માળનું મકાન તૂટી પડતાં 12 જણનાં મોત થયાં છે, જ્યારે 7 જણ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પછી મુંબઈમાં અનધિકૃત બાંધકામનો પ્રશ્ન ફરી એક વાર ચર્ચાને ચકડોળે ચઢ્યો છે. હવે હાઈ કોર્ટે આપમેળે નોંધ લઈને મહાપાલિકાને સંભળાવી દીધું છે.

કોર્ટના આદેશનું મેયર દ્વારા ખોટું અર્થઘટન
દરમિયાન આ સુનાવણી સમયે હાઈ કોર્ટે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને પણ ઠપકો આપ્યો હતો. પેડણેકરે કોર્ટના આદેશને લઈને અનધિકૃત બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી અટકાવવામાં આવી એવું જણાવ્યું હતું. કોર્ટે આ સમયે જર્જરિત ઈમારતો બાબતે આદેશ આપ્યો હતો એમ સ્પષ્ટ કર્યું હતું. જર્જરિત ઈમારતોખાલી કરવા માટે પરવાનગી લેવાની છૂટ આપી હતી. આમ છતાં કોરોનાની પાર્શ્વભૂમિ જોતાં કોર્ટે આપેલા વચગાળાના આદેશ તરફ આંગળી ચીંધતાં મલાડ ખાતેની દુર્ઘટના પ્રકરણે કોર્ટને જવાબદાર ઠરાવનારાં મેયરના વક્તવ્ય બાબતે કોર્ટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોતાની ભૂલો માટે કોર્ટને જવાબદાર નહીં ઠરાવો, એમ કોર્ટે ઠપકો આપતાં જણાવ્યું હતું.

ક્રિમિનલ એકશન લો
આ રીતે ગેરકાયદે બાંધકામ માટે જવાબદાર હોય તેમની સામે કઠોર કાર્યવાહી કરો. જો જરૂર જણાયતો ક્રિમિનલ એકશન પણ લઈ શકો છો, એવો નિર્દેશ કોર્ટે આપ્યો છે. ગેરકાયદે બાંધકામ કઈ રીતે છે તેની વિગતવાર માહિતી લેખિત સ્વરૂપમાં આપો. આ સાથે આવાં બાંધકામ આટલા સમય સુધી કઈ રીતે ઊભાં રહે છે અને મહાપાલિકાના નગરસેવકોએ આ મુદ્દો કેમ આગળ નહીં લાવ્યા એ વિશે માહિતી પણ રજૂ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...