તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:મુંબઈ સહિત કોંકણમાં આગામી 9-12 જૂને અતિવૃષ્ટિની આગાહી

મુંબઇ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત સર્વ યંત્રણા એલર્ટ કરવામાં આવી

મુંબઈ મહાનગર ક્ષેત્ર સહિત કોંકણના બધા જિલ્લાઓમાં 9-12 જૂન અતિવૃષ્ટિ થઈ શકે છે એવો ઈશારો હવામાન ખાતાએ આપ્યો છે. આથી આપત્તિ વ્યવસ્થાપન સાથે સંબંધિત સર્વ યંત્રણાઓને એલર્ટ કરવામાં આવી છે. આ સમયે કોવિડ સહિત અન્ય કોઈ પણ સ્વરૂપની દર્દી સેવામાં અવરોધ પેદા નહીં થાય, જોખમી ઈમારતો, ભેખડ ધસી પડે તેવા ભાગ, નીચાણવાળા વિસ્તારના નાગરિકોને જરૂર અનુસાર સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પણ તહેનાત કરાશે.

હવામાન ખાતાના ઈશારા પછી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સર્વ સંબંધિતો સાથે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં સર્વ સંબંધિતો જોડાયા હતા. કોસ્ટગાર્ડ, નેવીને પણ એલર્ટ કરવી, સમુદ્રકિનારાના ભાગમાં રહેતા લોકોને સતર્ક કરવા સાથે જરૂર હોય તે બધાનું સ્થળાંતર કરવાના નિર્દેશ તેમણે આપ્યા હતા. મુંબઈ મહાનગર પ્રદેશમાં વધુ વરસાદની શક્યતા જોતાં ઝાડ પડવું, પાણી જમા થવું, મેનહોલ ખુલ્લા રહી જવા વગેરે સમસ્યાઓનું વિશેષ ધ્યાન રાખવું. જોખમી ઈમારતોના નાગરિકોને ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવું. મેટ્રો અને અન્ય વિકાસકામો થતાં હોય તેની આસપાસ પાણી જમા નહીં થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

દર્દી સેવામાં અવરોધ નહીં આવવો જોઈએ
અતિવૃષ્ટિ થવા પર વીજ પુરવઠો ઠપ થઈ શકે છે તે ધ્યાનમાં લઈને હોસ્પિટલોએ વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવી, જનરેટર્સ, ડીઝલનો જથ્થો, ઓક્સિજનનો જથ્થો રાખી મૂકવો. વીજનું બેકઅપ રાખવા વૈકલ્પિક વ્યવસ્થા કરીને દર્દી સેવામાં કોઈ પણ અવરોધ પેદા નહીં થાય તેનું ધ્યાન રાખવું અને કોવિડ સેન્ટરમાં દર્દીઓને કોઈ અડચણ નહીં નડે અને સેન્ટરમાં પાણી નહીં ભરાય તેનું ધ્યાન રાખવા પણ તેમણે નિર્દેશ આપ્યા છે. કોવિડ અને વરસાદજન્ય બીમારી ભેગી થાય તે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આથી મલેરિયા નિયંત્રણ સહિત વરસાદજન્ય બીમારીઓ પર ઉપાયયોજના કરવાની સૂચના પણ તેમણે આપી હતી.

નીચાણવાળા વિસ્તારોમાં ઉપાયયોજના
નીચાણવાળા વિસ્તારોમાં પમ્પિંગ સ્ટેશન, પાણી ખેંચવાના યંત્રો તહેનાત રાખવા. હિંદમાતા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ધ્યાન રાખવું, નાગરિકોને સતર્ક રહેવા કહેવું, એવી સૂચના પણ આપવામાં આપી છે.

પોલીસની વિશેષ સ્ક્વોડ તૈયાર
મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું કે આ વર્ષે પાણી ભરાવાની શક્યતા ધરાવતાં સ્થળે પાણીનો નિકાલ કરવા 474 પંપ ગોઠવવામાં આવ્યાં છે. જુનિયર એન્જિનિયરો સ્પોટ પર રહીને પાણીના નિકાલનું કામ કરશે. હિંદમાતા વિસ્તારમાં બે મોટી ટાંકીમાં જમા થયેલું પાણી વાળવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનને ભંડોળ આપીને સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે, જે વોર્ડમાં ઝાડ પડતાં, ભરતીને લીધે મુશ્કેલીઓ સર્જાતાં નિવારણોનાં કામો કરશે. ઝાડ પડતાં તુરંત હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાશે. દરેક વોર્ડમાં મહાપાલિકાની પાંચ સ્કૂલમાં સ્થળાંતરિત નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. એનજીઓની મદદથી સ્થળાંતરીઓને ભોજન અપાશે.

રસી માટે કોલ્ડ સ્ટોરેજમાં પાવર બેકઅપ
દરમિયાન રસીનો જથ્થો જે કોલ્ડ સ્ટોરેજમાં છે ત્યાં પાવર બેકઅપ અપાયું છે. મહાપાલિકા, સરકારી હોસ્પિટલો, કોવિડ સેન્ટરો, ખાનગી હોસ્પિટલો પાસે ઓક્સિજનનો જથ્થો પૂરતો હોય, પાવર બેકઅપ સુવિધા હોય તેનું ધ્યાન રાખવા કમિશનરે આદેશ આપ્યો છે. ઉપરાંત જનરેટર્સ, વધારાનાં જનરેટર્સ, ડીઝલનો જથ્થો પણ રખાયાં છે. દરમિયાન દરેક મહાપાલિકા કમિશનર, જિલ્લાના જિલ્લાધિકારીઓએ તેમના ક્ષેત્રમાં તૈયારીઓની માહિતી મુખ્ય મંત્રીને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...