ચોકીદાર ચોર હૈ પર ટિપ્પણી:રાહુલ ગાંધી સામે માનહાનિ કેસની સુનાવણી મોકૂફ રહી

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજીનો જવાબ આપવા 20 ડિસે.સુધીનો સમય

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન “ચોકીદાર ચોર હૈ’ ટિપ્પણી પર ભાજપના નેતા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસની સુનાવણી 20 ડિસેમ્બર, 2021 સુધી મોકૂફ રાખવામાં આવી છે.

જસ્ટિસ એસ. કે. શિંદેની બેન્ચે રાહુલ ગાંધી દ્વારા ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 482 હેઠળ દાખલ કરેલી અરજીમાં આ આદેશ આપ્યો હતો, જેમાં તેમની સામેના માનહાનિના કેસને રદ કરવાની માગ કરવામાં આવી હતી.

સોમવારે, ફરિયાદી ભાજપના નેતા મહેશ શ્રીશ્રીમલે રાહુલ ગાંધીની અરજીનો જવાબ આપવા માટે સમય માગ્યો હતો. ફરિયાદીને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યા બાદ મામલો મોકૂફ કરતી વખતે, બેન્ચે આદેશ આપ્યો કે ટ્રાયલ કોર્ટ સમક્ષની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે. મુંબઈ ખાતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે 2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસમાં પ્રક્રિયા જારી કરી હતી. ફરિયાદમાં રાહુલ ગાંધીના જાહેર સંબોધનો, સોશિયલ મિડિયા પોસ્ટ્સ અને અખબારના અહેવાલો ટાંકવામાં આવ્યા છે, જેમાં રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ હતી. ફરિયાદીએ 2019થી “ચોકીદાર ચોર હૈ’, “ચોરોં કા સરદાર’ અને “કમાન્ડર-ઇન-થીફ’ જેવી રાહુલ ગાંધીની ટિપ્પણીઓને સમગ્ર રાજકીય પક્ષ માટે બદનક્ષીભરી ગણાવી છે અને તેથી ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...