જોખમ:મુંબઈમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચતાં હેલ્થ એલર્ટ અપાયું

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરિષ્ઠ નાગરિકો, બાળકો, ગર્ભવતી મહિલાઓના આરોગ્ય પર તોળાતું જોખમ

મુંબઈની હવાની ગુણવત્તા જોખમી સપાટીએ પહોંચી હોવાથી વરિષ્ઠ નાગરિકો, બાળકો, ગર્ભવતી મહિલાઓના આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે. આથી સાવધાની તરીકે મહાપાલિકાએ મુંબઈમાં હેલ્થ એલર્ટ જારી કરવાની વિનંતી આવાજ ફાઉન્ડેશને મુખ્ય મંત્રીને પત્ર લખીને કરી છે.

છેલ્લા બે અઠવાડિયાથી મુંબઈમાં 2015 પછી સૌથી વધુ વાયુ પ્રદૂષણ નોંધવામાં આવ્યું છે. મુંબઈની હવાની ગુણવત્તાનો નિર્દેશાંક જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 500ની ઉપર જવાથી તીવ્ર પ્રદૂષણની નોંધ થઈ છે. અખાતી પ્રદેશમાંથી આવેલા ધૂળયુક્ત વાદળોને લીધે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં પ્રદૂષણ વધ્યું હોવાનું કહેવામાં આવે છે. જોકે મુંબઈના વધતા વાયુ પ્રદૂષણ માટે ધૂળવાળાં વાદળો એકમાત્ર કારણભૂત નહીં હોઈ વાહનોની વધતી સંખ્યા, એમઆઈડીસીમાંથી છોડવામાં આવતો ઝેરી વાયુ, બાંધકામ દરમિયાન ઊડતી ધૂળને લીધે પ્રદૂષણ વધ્યું હોવાનું આવાજ ફાઉન્ડેશને જણાવ્યું છે. હવાની ખરાબ ગુણવત્તા અને તેની આરોગ્ય પર થનારી અસર ફક્ત શિયાળામાં જ નહીં પણ આખા વર્ષમાં થાય છે. આ જ મુંબઈગરા માટે ચિંતાની બાબત છે, એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

આયુષ્ય ઓછું થઈ રહ્યું છે
વાયુ પ્રદૂષણથી શ્વસન સંબંધી સમસ્યા સાથે મગજના વિકાસ પર પણ અસર થાય છે એવું અનેક તબીબી અભ્યાસમાં તારણ નીકળ્યું છે. પીએમ 2.5 ઉત્સર્જન વધુ હોયતેવી જગ્યાએ કોવિડ ચેપ વધુ હોવાની શક્યતા છે એમ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સંશોધનમાંથી સામે આવ્યું છે. આથી રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય ચાર, મુંબઈનું સરેરાશ આયુષ્ય 3.7 વર્ષથી ઓછું થયાનું પણ આવાજ ફાઉન્ડેશન દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે.

પ્રદૂષણમાં યોગદાન
ટ્રાફિક થકી 30.5 ટકા પ્રદૂષણ થાય છે. આ જ રીતે ઉદ્યોગ અને ઊર્જા થકી 18 ટકા, ઘરગથ્થુ જ્વલનશીલ થકી 15 ટકા અને પવનથી ઊડતા પ્રદૂષકોથી 15 ટકા વાયુ પ્રદૂષણ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

જનજાગૃતિ જરૂરી
હવાની ગુણવત્તાનો નિર્દેશાંક સ્તર ચોક્કસ રીતે દર્શાવે છે કે મહાપાલિકાએ સોશિયલ મિડિયા સાથે રેડિયો, ટેલિવિઝન, થિયેટર, શોપિંગ મોલ્સ અને ગિરદીના સ્થળે જનજાગૃતિ કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...