સમસ્યા:મહિલાના ડબ્બાઓમાં ફેરિયાઓની અવરજવર વધતા પ્રવાસીઓ પરેશાન

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચાર દિવસમાં 10 કરતા વધારે ફેરિયાઓની ધરપકડ

મુંબઈ ઉપનગરીય રેલવે સામાન્ય નાગરિકો માટે હજી શરૂ થઈ નથી ત્યારે મહિલા ડબ્બાઓમાં ફેરિયાઓની અવરજવર વધી રહી છે. મહિલા પ્રવાસીઓની વધેલી સંખ્યા પછી ફેરિયાઓ પણ મહિલા ડબ્બામાં પ્રવાસ કરતા હોવાથી મહિલા પ્રવાસીઓએ અડચણોનો સામનો કરવો પડે છે. મધ્ય રેલવે સુરક્ષા દળ પાસે એના વિરુદ્ધ ફરિયાદો આવ્યા પછી છેલ્લા ચાર દિવસમાં 10 કરતા વધારે ફેરિયાઓની ધરપકડ કરવામાં આવી છે.

અતાવશ્યક કર્મચારીઓ માટેની લોકલ સેવા 21 ઓકટોબરથી તમામ મહિલાઓ માટે શરૂ કરવામાં આવી. સામાન્ય મહિલા પ્રવાસીઓ માટે સવારના 11 થી બપોરે 3 અને સાંજે 7 વાગ્યા પછી લોકલ પ્રવાસની છૂટ આપવામાં આવી. બાકીના સમયમાં અત્યાવશ્યક કર્મચારીઓ સિવાય અન્ય કોઈને પ્રવેશ ન હોવાનું રેલવે તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું. તમામ મહિલાઓ માટે રેલવે પ્રવાસની છૂટ મળતા જ સવારના 11 વાગ્યાથી લોકલ ટ્રેનોમાં ગિરદી થવાની શરૂઆત થઈ. સાંજે પણ એવી જ પરિસ્થિતિ હોય છે. જોકે સામાન્ય મહિલાઓ માટે પ્રવાસની છૂટ મળતા જ એનો ગેરફાયદો ઉઠાવીને મહિલા પ્રવાસી ડબ્બામાં ફેરિયાઓએ ધામા નાખ્યા. આ ફેરિયાઓ સ્કાર્ફ, રૂમાલ, અન્ય વસ્તુઓ ખુલ્લેઆમ વેચે છે. આ વસ્તુઓનું વેચાણ કરતી મહિલાઓ સ્ટેશનમાં પ્રવેશ કરતા પ્લાસ્ટિકની સારી થેલીઓમાં વસ્તુઓ લાવે છે અને ડબ્બામાં ચઢવા મળે એટલે વસ્તુઓનું વેચાણ શરૂ કરે છે. બીજા કોઈ સ્ટેશન પર ઉતરવા પહેલાં વસ્તુઓને ફરીથી થેલીમાં મૂકી દે છે. તેથી તેમના પર કોઈને શંકા ઉપજતી નથી. જોકે આ ફેરિયાઓને લીધે અન્ય મહિલા પ્રવાસીઓએ ધક્કામુક્કીનો સામનો કરવો પડે છે.

મહિલા પ્રવાસી ડબ્બાઓમાં ફેરિયાઓ આવતા હોવાની માહિતી મળ્યા બાદ આરપીએફ તરફથી 9 મહિલા સુરક્ષા કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. કલ્યાણથી દાદર સુધી આ ટીમ સવારના 11 વાગ્યા પછી લોકલ ફેરીઓ પર નજર રાખે છે. છેલ્લા ચાર દિવસમાં 10 ફેરિયાઓને પકડવામાં આવ્યા છે અને તેમનો સામાન જપ્ત કરીને દંડ કરવામાં આવ્યો છે એમ મધ્ય રેલવે (આરપીએફ)ના વરિષ્ઠ વિભાગીય સુરક્ષા આયુક્ત કે. કે. અશરફે જણાવ્યું હતું.

તપાસણી કરવાની માગણી
આ સંદર્ભે ઉપનગરીય પ્રવાસી મહાસંઘના સેક્રેટરી લતા અરગડેએ જણાવ્યું કે મહિલા ફેરિયાઓ મહિલા ડબ્બાઓમાં પ્રવેશ કરતા સમયે પોતાની પાસેની વસ્તુઓ રેલવે પોલીસ, ટિકિટ કલેકટરને દેખાય નહીં એ રીતે લઈને આવે છે. આવા મોટા સામાન લઈ આવનાર મહિલાઓની તપાસ થવી જોઈએ એવી માગણી તેમણે કરી છે.

અન્ય સમાચારો પણ છે...