એજ્યુકેશન:ધોરણ-11ના ઓનલાઈન પ્રવેશમાં અડધી સીટ ખાલી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે અરજીની મુદત 20 સપ્ટેમ્બર

રાજ્યની પાંચ મહાપાલિકા ક્ષેત્રમાં અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે અમલમાં મૂકાયેલી ઓનલાઈન પ્રક્રિયાને આ વખતે વિદ્યાર્થીઓ તરફથી ઝાઝો પ્રતિસાદ મળ્યો નથી. મુંબઈ, નાગપુર, પુણે, નાશિક અને અમરાવતી મહાપાલિકા ક્ષેત્રમાં અગિયારમા ધોરણમાં 50 ટકાથી વધારે સીટ ખાલી રહી છે. ત્રણ જનરલ મેરીટ લિસ્ટ પછી ફક્ત 55.74 ટકા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. પાંચ મહાપાલિકા ક્ષેત્રમાં કુલ 1494 કોલેજમાં ઉપલબ્ધ 5,33,670 સીટ માટે ફક્ત 3,85,396 વિદ્યાર્થીઓએ જ અરજી કરી હતી. એમાંથી ફક્ત 2,14,806 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. 3,18,864 સીટ (59.75 ટકા) સીટ હજી ખાલી છે.

મુંબઈ વિભાગમાં અગિયારમા ધોરણમાં 3,20,500 સીટ ઉપલબ્ધ હતી. આ સીટો માટે કુલ 2,41,899 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. એમાંથી 1,30,651 વિદ્યાર્થીઓના જ પ્રવેશ થયા છે. હજી 1,89,849 સીટ (59.24 ટકા) સીટ ખાલી છે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને શનિવારથી શરૂ થયેલ વિશેષ મેરીટ લિસ્ટમાં પ્રવેશની તક મળશે. અરજી કરવાની મુદત 20 સપ્ટેમ્બર છે. આ દરમિયાન બાયફોકલ સ્ટ્રીમ માટે પણ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અરજી કરનારા વિદ્યાર્થીઓને કઈ કોલેજ અલોટ થઈ છે એ 22 સપ્ટેમ્બરના જાણ થશે.

વિદ્યાર્થીઓને તેમની લોગઈન કોલેજ અલોટમેંટ બાબતે જણાવવામાં આવશે એમ શિક્ષણ સંચાલનાલયે સ્પષ્ટ કર્યું છે. વિદ્યાર્થીઓએ સંબંધિત કોલેજમાં જઈને પ્રવેશ લેવા માટે 25 સપ્ટેમ્બર સુધી મુદત છે અને પ્રવેશ પછી ખાલી સીટોની વિગત પણ 25 સપ્ટેમ્બરના રાત્રે મોડેથી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ લઘુમતી મેનેજમેંટ, ઈનહાઉસ ક્વોટામાં પ્રવેશ માટે અરજી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...