તપાસ:કાંદિવલીના ગુજરાતી વેપારી રહસ્યમય રીતે ગુમ, દુકાનમાં મોબાઈલ ચાર્જ કરવા મૂકીને ગયા પછી પાછા નહીં આવ્યા

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઇમાં કાંદિવલી- વેસ્ટમાં રહેતા એક ગુજરાતી વેપારી તેમની બોરીવલીની શોપ પરથી સોમવારે હમણાં આવું છું તેમ કહ્યા પછી પાછા નહી આવતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. આ મામલે કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટશેનમાં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી છે. 51 વર્ષના જિજ્ઞેશ મોદી ગુમ થયા પછી 36 કલાક કરતાં વધુ સમય થવા છતાં મંગળવારે રાત સુધી તેમની કોઇ ભાળ મળી નહોતી. કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર બોરીવલી ઈસ્ટના દત્તપાડા રોડ પર એવરેસ્ટ ઇમારતમાં શ્રીનાથજી લેમિનેટ્સના નામે વેપાર કરતા 51 વર્ષના જિજ્ઞેશ તાપીદાસ મોદી રોજ મુજબ સોમવારે શોપ પર આવ્યા હતા.

તેઓ ટિફિન લઇને ઘરેથી આવતા હોવાથી બપોરે જમવા ઘરે જતા નથી. શોપમાં નોકરી કરતા કશ્યપ નૈનેશ દાવડાએ પોલીસને કહ્યું હતું કે, જિજ્ઞેશભાઇએ તેમનો મોબાઈલ ચાર્જમાં મૂકીને કહ્યું હતું કે, હું થોડી વારમાં કાર્ટર રોડ પર કોઈક ઊઘરાણી કરીને આવું છું. આથી મોબાઈલ ચાર્જમાં રાખીને જાઉં છું, પરંતુ તેઓ બપોર સુધી આવ્યા નહીં. આ પછી જિજ્ઞેશભાઈના પત્નીનો અમારા મોબાઇલ પર ફોન આવ્યો કે શેઠનો ફોન સ્વિચ ઓફફ આવે છે, તે કયાં છે. આથી અમે તેમને કહ્યું કે તેઓ સવારથી હમણાં આવું છું તેમ કહીને ગયા છે અને તેમનો મોબાઈલ દુકાનમાં ચાર્જ કરવા મૂક્યો છે.

તેઓ સાંજ સુધી પાછા નહીં આવતાં પોલીસને આ મામલે જાણ કરવામાં આવી છે.કાંદિવલી- વેસ્ટમાં મહાવીરનગરના પુષ્પ હેરિટેજ ઈમારતમાં પત્ની રૂપાબેન મોદી સાથે રહેતા જિજ્ઞેશ મોદીને શોધવા તેમના પરિવારજનો અને મિત્રો તમામ સંભવિત સ્થાનો પર શોધખોળ કરી રહ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બોરીવલી- ઈસ્ટમાં બસ સ્ટોપ તરફ જતા એક સીસીટીવી ફૂટેજમાં તેઓ દેખાય છે. આ ફૂટેજમાં તેઓ એક ટેકસીવાળાને કંઇક પૂછતા દેખાયછે. આ પછી એક સિટી એસી બસમાં બેઠા હતા, પરંતુ એ બસ કઈ તરફ જાય છે એ ખબર પડી નથી. તેઓ આર્થિક રીતે સુખી- સંપન્ન છે. આથી શા માટે અને ક્યાં જતા રહ્યા તેનું રહસ્ય હજુ પણ પોલીસને જાણવા મળ્યું નથી.

દીકરીની અપીલ...
જિજ્ઞેશ મોદીના બે સંતાનો દીકરો અને દીકરી હાલ અમેરિકામાં રહે છે. તેમની દીકરી હેતલ મોદીએ અમેરિકાથી એક મેસેજમાં તેમના ડેડીને અપીલ કરી છે કે ડેડી તમે જ્યાં હોવ ત્યાંથી પાછા ઘરે તુંરત આવી જાવ. તમને કોઇ તકલીફ હોય તો તેનું નિરાકરણ કરીશું. અમે તમારી વગર રહી શકીએ તેમ નથી. આથી વહેલી તકે અમને જયાં હોવ ત્યાંથી મેસેજ આપો, મમ્મીની પણ રડી રડીને તબિયત ખરાબ થઇ ગઇ છે. જિજ્ઞેશ મોદીનો કોઇને પણ પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંર્પક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...