ફરિયાદ:ગુજરાતી ડોક્ટર પાસે નકસલીને નામે 50 લાખની ખંડણીની માગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક ભીંસમાં આવતાં આરોપીએ વૃદ્ધ ફેમિલી ડોક્ટરને લક્ષ્ય બનાવ્યો

નકસલવાદી સંગઠનને નામે ગોરેગાવના ગુજરાતી ફેમિલી ડોક્ટર પાસે રૂ. 50 લાખની ખંડણી માગનારી ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓમાં વાશીના ઘનસોલીની રહેવાસી બૈસાખી બિશ્વાસ, સ્કવોર્ટર્સ કોલોનીમાં રહેતો મોઢ હયાત સહા અને વિરાર વેસ્ટમાં રહેતા વિક્રાંત સુભાષચંદ્ર કિરતનો સમાવેશ થાય છે.

ડો. વાડીલાલ લખમશી શાહ (76) ગોરેગાવ પૂર્વ પાંડુરંગવાડીમાં શ્રી ક્લિનિક નામે દવાખાનું ચલાવે છે. 15 સપ્ટેમ્બરે સાંજે ડો. શાહના ક્લિનિકની બાજુમાં કેમિસ્ટમાં તેમના ભાણેજ પાસે એક બુરખાધારી મહિલા બંધ પરબીડિયામાં પત્ર આપીને ગઈ હતી. તે ડો. શાહે ખોલીને વાંચતાં લાલ સલામ સંઘટના નામે નકસલવાદી સંગઠનના લેટરહેડ પર એસ. કે. માદોરેના નામથી પત્ર દ્વારા રૂ. 50 લાખની ખંડણી માગવામાં આવી હતી. જો આ રકમ નહીં આપે તો ડોક્ટરના પુત્રને જાનથી ખતમ કરવાની ધમકી આપી હતી. ડોક્ટરે તુરંત વનરાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તાજેતરમાં મુંબઈ સહિત દેશમાં આતંકવાદીઓની ગતિવિધિઓને લીધે સર્વત્ર સુરક્ષા યંત્રણા સતર્ક છે. આવા સંજોગોમાં લાલ સલામ સંગઠનની ધમકીને ગંભીરતાથી લેતાં પોલીસે ચાર ટીમ બનાવી હતી. તેમણે વિરાર, નવી મુંબઈ, પાલઘર, ગોરેગાવ, મલાડમાં તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ વિશ્લેષણ કરીને મહિલાની ઓળખ પ્રસ્થાપિત કરીને ધરપકડ કરી હતી, જેની પૂછપરછને આધારે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આમાંથી સહાનો ફેમિલી ડોક્ટર હોવાથી ડો. શાહ અને તેમની પારિવારિક અને આર્થિક પરિસ્થિતિ વિશે સહા બધું જ જાણતો હતો. કોરોનાકાળમાં તેની આવક બંધ થતાં પૈસાની જરૂર હતી. આથી તેણે યુટ્યુબ પર જોઈને ડો. શાહને લક્ષ્ય બનાવવાની યોજના બનાવી હતી. જોકે પોલીસે સઘન તપાસ કરીને 36 કલાકમાં આરોપીઓને ઝડપીને સળિયા પાછળ ધકેલી દીધા છે, જેને કારણે ડોક્ટરે પણ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...