રાહત:થાણે-દિવા લાઈનને PMના હસ્તે 18 ફેબ્રુ.એ લીલી ઝંડી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકલ અને મેલ-માટે જુદી લેન હોવાથી રાહત

મધ્ય રેલવેમાં થાણેથી દિવા પાંચમી અને છઠ્ઠી લેનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 18 ફેબ્રુઆરીના થશે. વડાપ્રધાન થાણે સ્ટેશનમાંથી લીલી ઝંડી દેખાડશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.ઉપરાંત આ સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે. પાંચમી અને છઠ્ઠી લેન થાણે અને એની આગળના પરિવહન માટે મહત્વની છે. તાજેતરમાં આ લેનનું કામ પૂરું થયું છે. તેથી લાંબા અંતરની ટ્રેન અને ઉપનગરીય લોકલ ટ્રેન માટે સ્વતંત્ર માર્ગ ઉપલબ્ધ થયો છે.

થાણેથી દિવા વચ્ચેના ફક્ત 9.40 કિલોમીટર લાંબી પાંચમી અને છઠ્ઠી લેનને સેવામાં લાવવા 12 વર્ષથી વધુ સમય લાગ્યો છે. 2008માં પાંચમી અને છઠ્ઠી લેનના માર્ગના કામને મંજૂરી મળી હતી. જોકે અનેક ઠેકાણાની પરવાનગી અને એલિવેટેડ માર્ગના કારણે આ કામ પૂરું થવામાં વિલંબ થયો. મુંબ્રા રેતીબંદર ખાતે ખાડી કિનારે એલિવેટેડ માર્ગ તૈયાર કરવાનો મોટો પડકાર હતો. લગભગ 625 કરોડ રૂપિયા ખર્ચ કરીને આ પ્રકલ્પ આખરે બાર વર્ષે પૂરો કરવામાં આવ્યો છે.

સીએસએમટીથી છૂટતી અને એ દિશામાં જતી ફાસ્ટ લોકલ, મેલ, એક્સપ્રેસ ટ્રેન માટે થાણેથી દિવા દરમિયાન સ્વતંત્ર લેન ઉપલબ્ધ ન હોવાથી ટાઈમટેબલ ખોરવાતું હતું. લોકલ, લાંબા અંતરની ટ્રેનની સ્પીડ ધીમી પડતી હોવાથી પ્રવાસીઓની હેરાનગતિ થતી હતી. હવે આ નવી લેનના કારણે પ્રવાસ વિના મુશ્કલી થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...