મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં રાજ્યપાલ નિયુક્ત 12 સભ્યોના મુદ્દા પરથી મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે સુનાવણી દરમિયાન આવા મામલામાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આદેશ આપી નહીં શકાય એવી નોંધ કરીને જોકે મંત્રીમંડળના પ્રસ્તાવને ઉચિત સમયમાં સ્વીકાર કે નકારવાની રાજ્યપાલની જવાબદારી છે, એવી મહત્ત્વપૂર્ણ નોંધ કરી હતી. આથી હવે કોર્ટના આ નિર્ણય પછી રાજ્યપાલ શું ભૂમિકા લે છે તેની પર સૌની મીટ મંડાયેલી રહેશે.
આ મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે સંતુલિત પણ સ્પષ્ટ ટિપ્પણી કરી. રાજ્યપાલ રાજ્યના બંધારણીય પ્રમુખ હોવાથી કોર્ટ રાજ્યપાલને આદેશ આપી નહીં શકે. આ સંબંધમાં નિર્ણય લેવાનો અધિકાર રાજ્યપાલને છે. જોકે મંત્રીમંડળે આપેલો પ્રસ્તાવ રાજ્યપાલ અનિશ્ચિત સમય સુધી પ્રલંબિત રાખી નહીં શકે, એમ કોર્ટે નોંધ કરી હતી.તેમણે ઉચિત સમયમાં પ્રસ્તાવ સ્વીકાર્યો કે નકાર્યો તે વિશે મુખ્ય મંત્રી સાથે વાત કરીને જાણકારી આપવી જોઈએ, એમ ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે નોંધ કરી હતી.
રાજ્યપાલે 15 દિવસમાં નિર્ણય લેવો જોઈએ એવી અપેક્ષા છે ત્યારે આ કેસમાં 8 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. આને લઈ સત્તાધારીઓને ફરી એક વાર રાજ્યપાલ પર નિશાન સાધવાનું નિમિત્ત મળી ગયું છે. આ નિયુક્તિ સંબંધમાં રાજ્ય સરકારે મોકલેલા પ્રસ્તાવ પર ઉત્તર આપવા રાજ્યપાલ બંધાયેલા નથી એવી ભૂમિકા અગાઉ કેન્દ્ર સરકારે લીધી હતી.
આવા સંજોગોમાં ઉપાય શું એવો પ્રશ્ન હાઈ કોર્ટે ઉપસ્થિત કર્યો હતો. રાજ્યપાલને બંધારણે સર્વોચ્ચ અધિકાર આપ્યા છે તે માન્ય છે, પરંતુ તે અધિકાર બાબતે રાજ્યપાલની કોઈ જવાબદારી નથી કે એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આ સંબંધમાં અરજી પર સર્વ પક્ષકારોની દલીલ પૂરી થયા પછી હાઈ કોર્ટે 19 જુલાઈએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
રાજ્ય મંત્રીમંડળે 6 નવેમ્બર, 2020ના રોજ 12 નામની ભલામણ કરી હતી, જે પ્રસ્તાવ મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યો હતો. જોકે આઠ મહિના વીતવા છતાં કોઈ નિર્ણય લેવાયો નહીં હોવાથી મહાવિકાસ આઘાડી અને મંત્રીઓ સતત ટીકા કરતા હતા. આ પછી નાશિકના રહેવાસી રતન સોલી લૂથે હાઈ કોર્ટમાં જનહિત અરજી કરી હતી.
ભાજપના 12 વિધાનસભ્ય સસ્પેન્ડ
રાજ્યમાં ગત વિધાનમંડળના ચોમાસુ સત્રમાં વિવિધ મુદ્દા પરથી ધાંધલધમાલને લઈ ભાજપના 12 વિધાનસભ્યને સ્પીકરે સસ્પેન્ડ કરી દીધા હતા. તે સમયે રાજ્યપાલ 12 સભ્યવાળા પ્રસ્તાવને મંજૂરી આપતા નહીં હોવાથી સત્તાધારીઓએ ભાજપના 12 વિધાનસભ્યને સસ્પેન્ડ કરીને વેર વાળ્યું એવી ચર્ચા થવા લાગી હતી. હવે કોર્ટે પણ એક રીતે મંત્રીમંડળની બાજુ લેતાં સત્તાધારીઓ ફરી એક વાર આક્રમક બને એવી શક્યતા છે.
કોનાં નામની ભલામણ કરાઈ છે
રાજ્યપાલ નિયુક્ત 12 વિધાનસભ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ તરફથી એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભિંગે, આનંદ શિંદે, કોંગ્રેસ તરફથી રજની પાટીલ, સચિન સાવંત, સૈયદ મુઝ્ઝફર હુસૈન, અનિરુદ્ધ વકર, શિવસેના તરફથી ઊર્મિલા માડોંકર, ચંદ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર, નીતિન પાટીલનાં નામની ભલામણ કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.